આણંદ : અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. સમગ્ર દેશમાં 'રામ આ રહે હૈ' ની લહેર ચાલી છે. ત્યારે આણંદના મહિલા ચિત્રકાર રંજનબેને ગુજરાતી ભાષામાં 4,80,002 વખત 'શ્રી રામ' શબ્દ લખીને સ્ક્રેચ કરીને ભગવાન રામના મનમોહક ચિત્રનું વોલપેપર ઉપર નિર્માણ કર્યું છે. મહત્વનું છે કે સમગ્ર ચિત્રમાં પ્રભુ રામમાં મુખારવિંદ પર આવેલ ભાવ ખુબ સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. આ ચિત્રમાં 4 લાખ 80 હજાર 2 વખત શ્રી રામ શબ્દનું લખાણ કરવામાં આવ્યું છે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક રામભક્ત પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આણંદ શહેરના મહિલા ચિત્રકાર રંજનબેન ભોઈ કે જેઓ 'રંજન જાન'નાં નામે ચિત્રોનું સર્જન કરે છે, તેમણે વિવિધ પ્રકારના રંગીન પેન અને શાહીનો ઉપયોગ કરીને 51 દિવસમાં એક અદ્ભુત પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કંઈક અનોખું સર્જન કરવાનું નક્કી કરી રંજન ભોઈએ અનોખું ચિત્ર તૈયાર કર્યું છે.
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં અલગ જ આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થયું છે. ત્યારે આણંદના ચિત્રકાર રંજનબેન ભોઈ દ્વારા ગુજરાતી ભાષામાં 4,80,002 વખત 'શ્રી રામ' શબ્દ લખીને સ્કેચ તૈયાર કર્યું છે. તેની ઊંચાઈ 42 ઈંચ x 30 ઇંચ પહોળાઈ છે. સામાન્ય રીતે રંગ અને પીંછી કે પેન્સિલના માધ્યમથી અનેક ચિત્રકારોએ ભગવાન રામના ચિત્રોનું સર્જન કર્યું છે. પરંતુ રંજનબેને 4.80,002 વખત શ્રી રામના શબ્દ લખીને ચિત્ર બનાવ્યું છે. જે ચિત્રને ગુજરાત અને ભારતમાં નવા રેકોર્ડ તરીકે સ્થાન મળ્યું છે.
આણંદના ચિત્રકાર રંજન જાને ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ચિત્ર બનાવવાની ઈચ્છા હતી જે માટે 51 દિવસની મહેનત કરી હતી. રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દરેક સનાતનીમાં ઉત્સાહ હતો, ત્યારે એક ઈચ્છા હતી કે મારા આર્ટને રામ સાથે કેવી રીતે જોડી શકાય. ત્યારે આ વિચાર આવ્યો અને શ્રી રામની કૃપાથી આ શક્ય બન્યું છે. રામાયણમાં કુલ 480002 શબ્દોનો ઉપયોગ થયો છે. ત્યારે તેટલા જ શબ્દોનો ઉપયોગ કરીને શ્રી રામ લખીને આ ઇન્ક ચિત્ર તૈયાર કર્યું છે. જેને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા 2024 માં સ્થાન મળ્યું છે. હજુ આ ચિત્રને અયોધ્યા રામ મંદિર મ્યુઝિયમમાં સ્થાન મળે તેવી મારી ઇચ્છા છે.