આણંદ : ગતરોજ આણંદ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ તૂટી પડતા ત્રણ મજૂરોના મોત થયા હતા. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, અગાઉ ફાયર વિભાગે બચાવ કામગીરી દરમિયાન બે મજૂરો અને બે મૃતદેહોને બચાવ્યા હતા. જો કે, બચાવાયેલા મજૂરોમાંથી એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
નિર્માણાધીન પુલ ધરાશાઈ : ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું કે, "અમને કોલ મળ્યો કે રાજુપુરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર એક પુલ તૂટી ગયો છે, જેમાં બે થી ત્રણ લોકો ફસાઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાટમાળ હટાવ્યો હતો. બે લોકોને બચાવી હોસ્પ્ટિલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું છે. બે મૃતદેહ પણ મળી આવ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે."
ત્રણ લોકોના મોત થયા : અગાઉ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, "સાંજે માહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેકટના નિર્માણ સ્થળ પર ત્રણ મજૂરો કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા. ક્રેન્સ અને ઉત્ખનનનો ઉપયોગ કરીને બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બહાર કાઢવામાં આવ્યો છે. જેને બચાવી લેવામાં આવ્યા છે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે."
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : આ પુલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે, જે 508-કિલોમીટરનો કોરિડોર છે. જેનો ઉદ્દેશ્ય 320 કિમી/કલાકની ટોચની ઝડપ સાથે દેશના બે સૌથી મોટા આર્થિક હબને જોડીને ભારતમાં હાઈ-સ્પીડ રેલ મુસાફરીને પરિવર્તિત કરવાનો છે. કોરિડોર પૂરો થયા પછી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ બે કલાકનું થઈ જશે, જે પરંપરાગત રેલ દ્વારા વર્તમાન છ કલાકની મુસાફરીથી ઘટી જશે.
પ્રોજેક્ટ ખર્ચ રૂ. 1,08,000 કરોડ : મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) સરકારનો એક સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે. જે લોકો માટે સલામતી, ઝડપ અને સેવાના નવા યુગની શરૂઆત કરશે તથા ભારતીય રેલવેને સ્કેલ, ઝડપ અને કૌશલ્યમાં આંતરરાષ્ટ્રીય લીડર બનવામાં મદદ કરશે. MAHSR પ્રોજેક્ટ મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદના વેપાર કેન્દ્રોને જોડતા ગુજરાત અને મહારાષ્ટ્રના ઉચ્ચ વિકાસ દર રાજ્યોમાંથી પસાર થાય છે. MAHSR પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ. 1,08,000 કરોડ છે.