વડોદરા: સયાજી હોસ્પિટલ વારંવાર વિવાદોના વમળમાં રહેલી છે. ત્યારે સવારે સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ વોર્ડ અને રસોડાની વચ્ચેની જગ્યામાં બની રહેલા નવા બિલ્ડિંગ માટેના ખોદકામ સમયે બપોરે ઓક્સિજનની પાઇપ એકાએક તૂટતાં ન્યૂ સર્જિકલ વોર્ડના દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. દર્દીઓ દ્વારા નાસભાગ મચી ગઈ હતી. ઓક્સિજન બોટલ અને બાયપેપની માગ કરી ઓક્સિજન લેવલ જાળવ્યું હતું. 10 મિનિટમાં ઓક્સિજનનો સપ્લાય પુનઃ કાયૅરત કરવાનો હોસ્પિટલે દાવો કર્યો હતો.
15-20 મિનિટ ઓક્સિજન બંધ રહ્યો
સયાજી હોસ્પિટલના આઈયુ વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ નવા બિલ્ડિંગની જગ્યામાં પાણીની લાઈન શોધવા જેસીબી દ્વારા બપોરે 2:30 વાગ્યે કામ કરાતું હતું. જે દરમિયાન ઓક્સિજનના બે પ્લાન્ટને ઇન્ટરકનેક્ટ કરતી પાઇપ તૂટતાં સપ્લાય ઘટ્યો હતો. એલાર્મ વાગતાં તુરંત કર્મચારીઓએ ઓક્સિજન રૂમ ઉપર જઈ વાલ્વ ખોલી નાખતાં બીજી લાઈનનો સપ્લાય ચાલુ થઈ ગયો હતો. જ્યારે સાંજે લાઈનનું સમારકામ કરાયું હતું. સમગ્ર ઘટનામાં ન્યૂ સર્જિકલ આઈસીયુમાં દર્દીઓના સગાએ 15-20 મિનિટ ઓક્સિજન બંધ રહ્યો હોવાનું કહ્યું હતું.
દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા
નર્સો પાસે ઓક્સિજનના બોટલ ચાલુ કરાવવા પડ્યા હતા. ઓક્સિજન ખોટવાય તો એલાર્મ વાગે છે. 2 પ્લાન્ટની 2 લાઈન કાર્યરત છે. કોઈ મુશ્કેલી સર્જાય તો એલાર્મ વાગે છે. એલાર્મ વાગતાં જાણ થઈ હતી. ઓક્સિજનની પાઇપરોડ ક્રોસ કરી તાત્કાલિક સારવાર વિભાગ તરફ જાય છે. ત્યાં જતાં પહેલાં સર્જિકલ બિલ્ડિંગ આવતું હોવાથી ત્યાં સપ્લાય ખોટકાયો હતો.
10 મિનિટમાં સપ્લાય ચાલુ કરાયો
ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે 2 લાઇન છે, સપ્લાય સંપૂર્ણ બંધ ન થાય. તાત્કાલિક સારવાર વિભાગમાં પીડિયાટ્રિકમાંથીઅને સર્જિકલ વોર્ડની પાછળ લિક્વિડ બેંકમાંથી 2 લાઈન દ્વારા ઓક્સિજન આવે છે, જેથી ગંભીર દર્દીઓને મુશ્કેલી પડે તેવું ન બને. સપ્લાય ઓછો થઈ શકે છે પણ સદંતર બંધ ન થાય. 10 મિનિટમાં સપ્લાય ચાલુ કરાયો હતો.