સુરત: માંડવીના કોલસાણા ગામે ઘરના વાડામાં 75 વર્ષીય વૃદ્ધ મહિલા રસોઇના વાસણ ધોઈ રહી હતી તે દરમિયાન શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કર્યો. ગળાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. વન વિભાગની ટીમે ડ્રોનની મદદથી દીપડાને શોધવાની તજવીજ હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓનો વસવાટ: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે.અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને શ્વાન, મરઘાં,બકરી,ગાયો સહિતના પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક દીપડો શિકારની શોધમાં માનવવસ્તી તરફ આવ્યો હતો અને એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી.
75 વર્ષીય મહિલા પર દીપડાએ કર્યો હુમલો: માંડવી તાલુકાના કોલસાણા ગામે એક 75 વર્ષીય ખાલપીબેન ભગુભાઈ ચૌધરી જે પોતાના ઘરના વાડાના ભાગે રસોઇના વાસણ ધોઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક અચાનક ખૂંખાર દીપડો આવ્યો હતો અને પાલતુ પ્રાણી સમજી વૃદ્ધ મહિલા પર હુમલો કરી દીધો હતો અને શેરડીના ખેતરમાં ખેંચી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા ફળિયાના લોકો દોડી આવ્યા હતા. ખાલપીબેનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. હાજર લોકો તેઓને માંડવીના અરેઠની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પરંતુ ડોકટર સારવાર કરે તે પહેલાં જ ખાલપીબેનનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ માંડવી વનવિભાગને કરાઈ હતી.
માંડવી વનવિભાગની ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ: ઘટનાની જાણ માંડવી વન વિભાગને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વંદા ભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર આનંદકુમારના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની કુલ 3 વન વિભાગની ટીમ સ્થળ પર છે અને ગામની સીમની ફરતે કુલ 10 જેટલા પાંજરાઓ મારણ સાથે મૂકવામાં આવ્યા છે અને સતત ડ્રોન કેમેરાથી દીપડાને શોધવામાં આવી રહ્યો છે. તેમજ વન વિભાગની ટીમે સરકારના નિયમ મુજબ મૃતક વૃદ્ધના પરિવારને આર્થિક સહાય મળે તે માટેની તજવીજ પણ હાથ ધરી હતી.