જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ આગળ ધપી રહ્યો છે. ત્યારે જૂનાગઢના એક સજ્જન એનજીઓ ઓન્લી ઇન્ડિયન દ્વારા પાછલા 13 વર્ષથી મિલ્ક બેંક ઓફ મહાદેવ ચલાવી રહ્યા છે. કેટલાક વર્ષ પૂર્વે આવેલી હિન્દી ચલચિત્ર 'ઓ માય ગોડ' પરથી પ્રેરણા પ્રાપ્ત કરીને ઓન્લી ઇન્ડિયન દ્વારા મિલ્ક બેંકની શરૂઆત કરવામાં આવી હતી. દિવસ દરમિયાન એકઠું થતું દૂધ ગરીબ, જરૂરિયાતમંદ, ઝૂંપડપટ્ટીના બાળકો તેમજ બીમાર અને સગર્ભા મહિલાઓને મહાદેવના પ્રસાદ રૂપે અર્પણ કરીને તે સજ્જન શ્રાવણ મહિનામાં અનોખી શિવભક્તિ કરી રહ્યા છે.
શ્રાવણ મહિનામાં અનોખી શિવભક્તિ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સમગ્ર મહિના દરમિયાન શિવભક્તો દ્વારા મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના પૂજન દર્શન અને અભિષેક કરીને ભોળાનાથની કૃપા મેળવવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારે જૂનાગઢમાં પાછલા 13 વર્ષથી ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન અનોખી શિવ ભક્તિનું ઉદાહરણરુપે વન મેન એનજીઓ ઓન્લી ઇન્ડિયન કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન મિલ્ક બેંક થકી મહાદેવને અભિષેક કરાયા બાદ બાકી રહેતું દૂધ મિલ્ક બેંકમાં એકત્ર કરીને શિવનો ભાગ જીવને અર્પણ કરીને અનોખી શિવ ભક્તિનું આદર્શ દ્રષ્ટાંત દર્શાવાયું છે.
બોલિવૂડ ફિલ્મ 'ઓ માય ગોડ' થી પ્રેરણા: થોડા વર્ષો પૂર્વે બોલિવૂડ ફિલ્મ 'ઓ માય ગોડ' રૂપેરી પરદે રજૂ થઇ હતી. જેમાં મહાદેવને અભિષેક કરવામાં આવતું દૂધ વ્યર્થ બની જતું હોય છે. તેવું ફિલ્માવવામાં આવ્યું હતું. અભિષેક થયેલું દૂધ બરબાદ થવાની જગ્યા પર દૂધનો કેટલોક ભાગ અલગથી એકત્ર કરીને જો તેને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે તો માનવસેવા થઈ શકે તે ચલચિત્ર થી પ્રેરણા પ્રાપ્ત કરીને ઓન્લી ઇન્ડિયાને મિલ્ક બેંક ઓફ મહાદેવ શરૂ કરી છે.
શિવ પ્રસાદ રુપે દૂઘ ગરીબોને અપાય છે: શ્રાવણ માસ દરમિયાન મહાદેવ પર દૂધનો અભિષેક કરવા માટે આવતા શિવ ભક્તો કેટલુંક દૂધ મિલ્ક બેંકમાં અર્પણ કરે છે. જે દિવસ દરમિયાન જૂનાગઢ શહેરના 5 કરતાં વધુ શિવાલયોમાં એકત્ર થાય છે અને પ્રતિ દિવસે 30 લીટર કરતાં વધુ દૂધ એકત્ર થયા બાદ તેને ગરીબ મજૂર, જરૂરિયાતમંદ ઝૂંપડપટ્ટી વિસ્તાર કુપોષિત બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિઓ અને સગર્ભા મહિલાઓને શિવના પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવી રહ્યું છે.