જૂનાગઢ: પોલીસ જાપ્તામાં રહેલા અને ગાંધીનગરથી આરોપીને અમરેલી લઈ જઈ રહેલા અમરેલી હેડકવાટરના બે પોલીસ કોન્સ્ટેબલ રણજીત વાઘેલા અને નીતિન બામણીયા દ્વારા ગત 24 તારીખના મધ્ય રાત્રે ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં ભોજન અને ત્યારબાદ દારૂ પીને સંચાલક સાથે માથાકૂટ કરી હતી. ત્યારે સાબરીન રેસ્ટોરન્ટના સંચાલક સોએબ વડગામાએ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલામાં આરોપી અમરેલી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવતા પોલીસે રણજીત વાઘેલા નામના પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી છે.
દારૂ પીને રેસ્ટોરન્ટમાં કરી બબાલ: અમરેલી પોલીસ દ્વારા બુટલેગર ધીરેન કારીયાની દારૂની હેરાફેરી અને તેના વેચાણ માટે અટકાયત કરીને તેને અમરેલી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી ધીરેન કારીયાને અન્ય કોઈ કેસમાં અમરેલીથી ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. તેના પોલીસ જાપ્તામાં રણજીત વાઘેલા અને નીતિન બામણીયાને ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી આરોપી ધીરેન કારીયા સાથે પોલીસ જાપ્તો અમરેલી જવાનો હતો. પરંતુ પોલીસ જાપ્તામાં રહેલા બંને પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી ધિરેન કારીયા જુનાગઢ પહોંચી ગયા હતા. જુનાગઢ પોલીસને મળેલી માહિતી મુજબ, આરોપી ધિરેન કારીયા જૂનાગઢમાં તેના ઘરે રોકાયો હતો. તો અન્ય બે પોલીસ કોન્સ્ટેબલ રાત્રિના 11:00 વાગ્યે ભોજન માટે ચિતાખાના ચોક વિસ્તારની સાબરીન રેસ્ટોરન્ટમાં ગયા હતા. અહીં ભોજન લીધા બાદ દારૂ પીવા જેવી વાતને લઈને સંચાલક સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે રણજીત વાઘેલાએ પોતે પોલીસ હોવાની પોતાની ઓળખ આપીને રેસ્ટોરન્ટ સંચાલક શોએબ વડગામા સામે ખૂબ માથાકૂટ કરી હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટ સંચાલક સોએબે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલામાં આરોપી પોલીસ કર્મચારી હોવાનું સામે આવતા જૂનાગઢ પોલીસે એક પોલીસ કોન્સ્ટેબલ રણજીત વાઘેલાની અટકાયત કરી છે.
આરોપી ધીરેન કારીયા કુખ્યાત બુટલેગર: અમરેલી જેલમાં રહેલો કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા મૂળ જૂનાગઢનો છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ગુજરાતમાં પરપ્રાંતિય દારૂ ઘૂસાડવાના અનેક કિસ્સામાં તે આજે આરોપી પણ છે. ત્યારે ગાંધીનગરમાં કોઈ કેસને લઈને પોલીસ જાપ્તા સાથે ગયેલો આરોપી ધિરેન કારીયા અને અન્ય પોલીસ કર્મચારી અમરેલી જવાની જગ્યાએ જુનાગઢ કઈ રીતે આવ્યા તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જે આરોપીને અમરેલી જેલમાં હાજર થવાનું હતું તે આરોપી જુનાગઢ તેના ઘરે કઈ રીતે પહોંચી ગયો અને પોલીસ જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ અમરેલીની જગ્યા પર જુનાગઢ શા માટે આવ્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ પૂછપરછમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ રણજીત વાઘેલાને પીવા માટેનો દારૂ જૂનાગઢના અમિત રાઠોડે આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે અમિત રાઠોડને પણ રાઉન્ડ અપ કરીને તેની પણ પૂછપરછ શરૂ કરી છે.