અમરેલી: ગઈકાલે શુક્રવારે બપોરના 12:00 વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લાના સુરાગપરા ગામના ખેતરમાં આવેલા એક બોરવેલમાં દોઢ વર્ષની આરોહી રમતા-રમતા અચાનક બોરમા ગરકાવ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ ખેડૂત અને ખેતમજૂરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવતા બપોરે 12 વાગ્યે આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાનુ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં ખાસ રોબોટ કેમેરા, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે જિલ્લા વહીવટી તંત્રનો કાફલો પણ કામે લાગ્યો હતો, જોકે, 17 કલાકની ભારે જહેમત બાદ બોરમાંથી આરોહી બહાર તો આવી પણ મૃત હાલતમાં. બાળકીનો નિષ્પ્રાણ દેહ બોરમાંથી બહાર આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
બોરવેલમાં પડેલી બાળકીને જીવતી બહાર કાઢવા માટે એનડીઆરએફ ફાયર ટીમ દ્વારા અર્થાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા સાંજના સમયે રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ સફળ થતો દેખાતો હતો પરંતુ અચાનક રોબોટ પણ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહેતા અંતે NDRFએ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઓપરેશન રાત્રિના બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયુ હતુ
17 કલાકની જહેમત બાદ આરોહી બહાર કાઢવામાં આવી અને સ્થળ પર હાજર રહેલા તબીબોએ તેને બચાવવાના પ્રયાસ કરવાની શરૂઆત કરી હતી પરંતુ પચાસ ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી આરોહીના પ્રાણ બોરની અંદર જ ઉડી ગયા હતા અને સ્થળ પરના તબીબોએ દોઢ વર્ષની માસુમ આરોહીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુંથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.