અમરેલી: જિલ્લાના જાફરાબાદના વહાણ કિનારે લંગરવાની જેટી પર માથાકુટ થઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ સાથે બબાલ થઈ હતી. ફરિયાદ પ્રમાણે હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર ઘાતક હુમલો થયો હતો, જે દરમિયાન ચેતન શિયાળે પોતાનો જીવ બચાવવા રિવોલ્વરથી ફાયર કર્યું હતું. જોકે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના ખરેખર કેવી રીતે બની અને ચેતન શિયાળે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું કે કેમ? તે અંગે પણ તપાસ આરંભાઈ છે.
ઘટનાની પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ ઘટનામાં અન્ય વ્યક્તિ દ્વારા ચેતન શિયાળને માથાના ભાગે હુમલો કરવામાં આવતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ પ્રાથમિક સારવાર પછી ચેતન શિયાળને ભાવનગર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. જેટી પર વહાણ રાખવા બાબતે મારામારી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે.
જિલ્લાના યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્યના જમાઈને ગંભીર ઈજાઓ થવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામા પક્ષે જેના સાથે બબાલ થઈ હતી તે માછીમાર યુવકને હાથના આંગળાના ભાગે ગોળી વાગી હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી છે.
સૂત્રો અનુસાર, ચેતલ શિયાળ પર કરવામાં આવેલા હુમલામાં તેને કુહાડી વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. હુમલાની ઘટનાને લઈને અમરેલી DySP ચિરાગ દેસાઈ દ્વારા હુમલાખોરોને હાલ હસ્તગત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા જેવી બાબત એ છે કે, ચેતન શિયાળનો હાથમાં રિવોલ્વર સાથેનો વીડિયો વાયરલ થયો છે. જે અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે, "આ અંગે પોલીસ હજી તપાસ કરી રહી છે". વધુમાં જણાવતા DySPએ કહ્યું કે, "હાલ 6 માંથી 2 આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે."
આ પણ વાંચો: