અમરેલી : અવારનવાર સોશિયલ મીડિયામાં અમરેલી જિલ્લાના સિંહના વીડિયો વાયરલ થાય છે. સિંહના વધુ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવાપરા વિસ્તારમાં સિંહોએ એક પશુનો શિકાર કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથે જ બીજો વીડિયો સિંહના ટોળાનો છે.
મારણ કરી મીજબાની માણતા સિંહ : પ્રથમ વીડિયો અમરેલી જિલ્લાના ધારી શહેરના નવાપરા વિસ્તારનો છે. અહીં શેત્રુંજી નદીના પુલ પર છ જેટલા સિંહોએ એક પશુનું મારણ કર્યું હતું. બાદમાં પુલ પર બેસીને જ મિજબાની માણી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બાળસિંહ સાથે નીકળ્યો સિંહ પરિવાર : બીજો વીડિયો અંદાજે અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામડાનો છે. આ વિસ્તારમાં આઠ જેટલા સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા, જેનો વીડિયો અહીં રાત્રીના સમયે પસાર થઇ રહેલા કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો. જોકે, આ વીડિયો ક્યાંનો છે તે મુદ્દે હાલ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ વિડિયો ગીરકાંઠાના ગ્રામીણ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વનવિભાગ દ્વારા જનતા જોગ અપીલ : CCF આરાધનાબેને જણાવ્યું કે, અમરેલીના જંગલ વિસ્તારમાં પસાર થતા તમામ વ્યક્તિઓએ કોઈપણ વન્ય પ્રાણી-પશુ કે પક્ષીઓને હાની ન પહોંચાડવી તથા છંછેડવા નહીં. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને વાડી વિસ્તારની અંદર જો વન્ય પ્રાણી-પશુ દેખાય તો નજીકના વન વિભાગનો સંપર્ક કરવો. જંગલ વિસ્તારમાં પસાર થતા પર્યટકો અને સ્થાનિક વ્યક્તિએ કોઈપણ પ્રકારનો ખોરાક પશુ પક્ષીઓને ન નાખવો.