અમરેલી: અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વન્ય પશુ અને પ્રાણીઓનું વસવાટ છે. વન્ય પશુ અને પ્રાણી અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને ખેતીવાડી વિસ્તારની અંદર આવેલા ખુલ્લા કૂવામાં પડવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામે એક દિપડો કૂવામાં પડી જતા મોત થયું છે.
ખુલ્લામાં પડ્યો દીપડો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા બીટ વિસ્તારની અંદર આવેલા મોરજર ગામના વાડી વિસ્તારની અંદર ખુલ્લો કૂવો આવેલો છે. આ ખુલ્લા કૂવાની અંદર એક દીપડો શિકારની શોધમાં પસાર થતા સમયે અચાનક કુવામાં પડી ગયો હતો. ખુલ્લો કૂવામાં પાણી ન ભરેલું હોવાને કારણે દીપડો ઉપરથી કૂવાની અંદર ઊંડે પડતા મોત થયું હતું.
ખેડૂતે વન વિભાગને જાણ કરી
મોરજર ગામના હસમુખભાઈ નામના ખેડૂતના વાડી વિસ્તારની અંદર આ ખુલ્લો કૂવો આવેલો હતો. વાડી વિસ્તારની અંદર શિકારની પાછળ છલાંગ અને દોડ લગાવતા દીપડો અચાનક રાત્રીના સમયે ખુલ્લા કૂવામાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આથી ખેડૂતે વન વિભાગના અધિકારી અને કર્મચારીને જાણ કરી હતી. અધિકારી અને કર્મચારી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કૂવામાંથી દીપડાના મૃતદેહને બહાર કાઢી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરસર ગામે ખુલ્લા કૂવામાંથી દીપડાના મૃતદેહને બહાર કાઢી અને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે. અને હાલ વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખુલ્લા કુવાને ઢાંકવા વન વિભાગની ખેડૂતોને અપીલ
ડી.સી.એફ ધારી ગીર પૂર્વ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર અનેક વિસ્તારોમાં ખુલ્લા કુવા આવેલા છે. આ ખુલા કુવાને ફરતે તાર ફેન્સીંગ રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી અમરેલી જિલ્લામાં આવી ઘટના ન બને અને સાથે જ વન વિભાગ દ્વારા કુવાને બાંધકામ કરવા માટે યોજનાઓ પણ વખત જાહેર કરવામાં આવે છે. જે યોજનાનો લાભ લઈ અને ખેડૂતો ખેતરમાં બનાવવામાં આવેલા ખુલ્લા કુવાને બાંધકામ અથવા ફેન્સીંગ કરી સુરક્ષિત કરવા માટે વન વિભાગ દ્વારા સહાય પણ આપવામાં આવે છે. તો દરેક ખેડૂતને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, આ ખુલ્લા કુવા સુરક્ષિત કરે. સરકાર અને વન વિભાગની સહાયનો લાભ મેળવી અને વન્ય પ્રાણીઓ સુરક્ષિત રીતે રહે અકાળે મૃત્યુ ન થાય જે માટે પ્રયત્ન કરે.
આ પણ વાંચો: