અમરેલી: તાજેતરમાં રાજ્યભરના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચતા જગતના તાતના માથે જાણે આભ તૂટી પડ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસ અને મગફળીના પાકને મોટી નુકસાની પહોંચી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, બાબરા, બગસરા તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે.
વરસાદના કારણે પાક નષ્ટ થયો
ખાંભા, લાઠી, લીલીયા, બગસરા અને બાબરા તાલુકામાં મોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ ખૂબ જ પડ્યો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં રહેલો મગફળીનો પાક નષ્ટ થયો છે.
ખેડૂતો સર્વે કરાવીને સહાયની માંગ કરી
વરસાદના કારણે મગફળીના પાકમાં ફૂગ લાગી જવાને કારણે મગફળી સો ટકા નિષ્ફળ ગઈ છે. તો સાથે જ સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે કપાસનો વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ધોધમાર વરસાદ અને પવન ફૂંકાવાને કારણે કપાસનો પાક જમીન દોસ્ત થયો છે. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ભમર પંથકના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સહાય આપવામાં આવે જેવી માગ કરવામાં આવી છે.
કપાસ-મગફળીનો પાક નિષ્ફળ જતા પડ્યા પર પાટું
મંગળદાસ હરિયાણી નામના ખેડૂતે જણાવ્યું કે, સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ છે. સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામની અંદર હજારો મણ મગફળી નિષ્ફળ ગઈ છે. તો સાથે જ હજારો મણ કપાસ પણ નિષ્ફળ ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: