બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે અંબાજી પોલીસ સક્રિય બની છે. અંબાજી પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. સાથે જ તેમને ઘટનાસ્થળે લઈ જઈ લૂંટની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે બાબતે પોલીસે રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
અંબાજીની બજારમાં લૂંટનો બનાવ : અંબાજીની બજાર બે શખ્સોએ ધોકા વડે ડરાવી ધમકાવીને રૂપિયા 9,700 પડાવ્યા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંનેને ઝડપી લેવા માટે ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. અંબાજી પોલીસને લૂંટ કરી ફરાર થનાર બંને શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકીને ગણતરીના કલાકમાં જ ઝડપી લીધા છે.
આરોપીઓનું સરઘસ કાઢ્યું : અંબાજી પોલીસ દ્વારા બંને શખ્સોને ઘટનાસ્થળે લાવી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આવા અસામાજીક તત્વોથી કોઈને પણ ડરવાની જરૂર ન નથી તેવો સંદેશ આપ્યો હતો. અંબાજી પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે તેવી અસામાજિક તત્વોને ચીમકી આપી છે.
અસામાજિક વિરુદ્ધ કડક કાર્યવાહી : અંબાજી પોલીસ મથકના PI આર. બી. ગોહિલે જણાવ્યું કે, બંને શખ્સોએ ધોકા વડે લૂંટ કરી હોવાની ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધીને બંનેને ઝડપી લેવા માટે તાત્કાલિક જ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બંનેને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. અંબાજીમાં અસામાજિક વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.