ગાંધીનગર: હવે અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેનથી કનેક્ટ થવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ થશે. મેટ્રો ફેઝ-3 મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-3નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે અને ભાડું માત્ર ₹ 35 છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થતા લોકોનો સમય અને બળતણ બચશે. પર્યાવરણ શુદ્ધ કરવામાં પણ મદદ મળશે.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના ત્રીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો ત્રીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
મેટ્રો ટ્રેન જીવાદોરી સાબિત થશે
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું ₹ 415 થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું ₹375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
જાણો મેટ્રો પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ થયો ?
મેટ્રોના ફેઝ-3 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ નાણાકીય જોગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અમદાવાદથી ગાંધીનગર મિનિટોમાં...
આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ₹ 35ના ખર્ચે પહોંચી શકે છે.
મેટ્રો ટ્રેનથી પર્યાવરણને થશે ફાયદો
મેટ્રોના લીધે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં મદદ મળે છે. શહેરોમાં થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણ અને આર્થિક વિકાસ માટે એક દૂરંદેશી ઉપાય બની રહેશે.
મેટ્રો ટ્રેનના આર્થિક અને સામાજિક પ્રભાવ
મેટ્રોના નવા સ્ટેશન શરૂ થવાથી, સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે આર્થિક અને સામાજિક ફાયદા જોવા મળશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી જેવા વ્યાવસાયિક કેન્દ્રોના વિસ્તરણથી, આ વિસ્તારમાં કામ કરતા વ્યવસાયિકો અને કર્મચારીઓને હવે ઝડપી અને સુવિધાસભર પરિવહન સેવા મળશે, જેનાથી ઉત્પાદકતા વધશે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને વેગ મળશે.
વિકાસનો પર્યાય બનશે મેટ્રો
મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશન્સની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે. એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે.
ગુજરાત મેટ્રો ટ્રેન સેવાના મહત્વના પડાવો
ઓક્ટોબર 5, 2015, ના રોજ અમદાવાદ ફેઝ-1 કરાર પર હસ્તાક્ષર
GMRC એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માટે SYSTRA SA ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી (GEC) કરાર પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કરાર પર હસ્તાક્ષર સમારોહ ગાંધીનગર ખાતેની GMRC કાર્યાલયમાં યોજાયો હતો અને GMRC કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IP ગૌતમ અને SYSTRA ના પ્રતિનિધિ શહરિ સોમલરાજુ વચ્ચે કોન્સોર્ટિયમના લીડ મેમ્બર, કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવ્યો હતો. આ કન્સોર્ટિયમમાં કન્સોર્ટિયમના સભ્યો તરીકે ભારતમાંથી RITES લિમિટેડ, જાપાનની ઓરિએન્ટલ કન્સલ્ટન્ટ્સ ગ્લોબલ કંપની લિમિટેડ અને હોંગકોંગની AECOM એશિયા કંપની લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
4 માર્ચ, 2019 ના રોજ પ્રથમવાર મેટ્રો ટ્રેન દોડી
ગત તા. 4 માર્ચ, 2019 ના રોજ અમદાવાદમાં પ્રથમવાર મેટ્રો ટ્રેન દોડી હતી. વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપેરલ પાર્ક સ્ટેશન વચ્ચે મેટ્રો રેલ સેવાઓનું ઉદ્ઘાટન થયું હતું. મેટ્રો રેલની નિયમિત સેવાઓ 6મી માર્ચ 2019ના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં ભાડાનું માળખું લઘુત્તમ રૂ. 5 પ્રથમ 2.5 KM માટે અને રૂ. 10 ભાડું 2.5 થી 7.5 કિમી. માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ ફોર્મ્યુલા મુજબ વસ્ત્રાલ ગામ સ્ટેશનથી એપેરલ પાર્ક સ્ટેશન સુધીનું ભાડું રૂ.10 રાખવામાં આવ્યું હતું.
અમદાવાદના કોટ વિસ્તારમાં મેટ્રો માટે ટનલ બનાવાઈ
10 જુલાઈ, 2019 ના રોજ કાલુપુર લોંચિંગ શાફ્ટથી ઘીકાંટા સ્ટેશન સુધી ટનલ બનાવવાનું કામ પૂર્ણ થયું હતું. કાલુપુર લોંચિંગ શાફ્ટથી ઘીકાંટા સ્ટેશન સુધીની ટનલિંગ જુલાઈ 2019ના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઈ ગઈ હતી. 10મી જુલાઈ 2019ના રોજ, UG2 પેકેજ ટનલિંગના કુલ 3300 મીટર (60%)ના અવકાશમાંથી 1970 મીટર TBM દ્વારા કાલુપુરથી પૂર્ણ કરવામાં આવી હતી. ઘીકાંટા સ્ટેશન સુધી શાફ્ટનું લોન્ચિંગ, બંને TBM માટે બ્રેકથ્રુ પણ પૂર્ણ થયું હતું.
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં મેટ્રોનું કામ શરૂ
18 જાન્યુઆરી, 2021 અમદાવાદ ફેઝ-2 અને સુરત મેટ્રો ફેઝ-1નું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-II ની કામગીરી શરૂ કરવા અને શિલારોપણનો સમારોહ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કામનો પ્રારંભ કરવા માટે સમારંભનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
30 સપ્ટેમ્બર, 2022 અમદાવાદ મેટ્રોનો તબક્કો-2 સંપૂર્ણપણે કાર્યરત થયો
અમદાવાદ મેટ્રોનો ફેઝ-2 પ્રોજેક્ટ 30મી સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. કુલ પ્રોજેક્ટ 40.03 કિમી લાંબો અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 છે. જેમાં બે કોરિડોરનો સમાવેશ થાય છે અને તેમાં કુલ 32 સ્ટેશન છે. જેમાંથી 28 સ્ટેશન એલિવેટેડ છે અને 4 સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર 20.91 કિમી લાંબો છે જેમાં 14.40 કિમી એલિવેટેડ અને 6.6 કિમી બંને ભૂગર્ભ વિભાગનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર 19.12 કિમી લાંબો છે અને તેમાં એલિવેટેડ વિભાગનો સમાવેશ થાય છે.
હાલમાં મેટ્રો રૂટ પર 32 ટ્રેન દોડી રહી છે
આ પ્રોજેક્ટમાં સ્ટેશનો પર કુલ 32 ટ્રેન સેટ અને 96 ટ્રેન કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 એન્ટ્રી/એક્ઝિટ સ્ટ્રક્ચર્સ છે. સ્ટેશનો પર 6 ટ્રેન કોચની જોગવાઈ છે, જોકે હાલમાં ટ્રેનો 3 કોચ સાથે દોડશે. આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો 50- 50% હિસ્સો છે. અમદાવાદ ફેઝ-2 પ્રોજેક્ટ માટે કુલ પ્રોજેક્ટ અંદાજીત ખર્ચ રૂ. 10,773 કરોડ થયો હતો.
હાલમાં 1.20 લાખ લોકો મેટ્રો સેવાનો લઈ રહ્યા છે લાભ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર પુષ્કર સિંગલાએ જણાવ્યું હતું કે, પહેલા અમદાવાદ મેટ્રો ટ્રેનમાં દૈનિક 35,000 મુસાફરો મુસાફરી કરતા હતા. હાલમાં 1.20 લાખ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ રહ્યા છે. મેટ્રો ટ્રેન સેવાથી સામાન્ય લોકોને સસ્તુ ટ્રાન્સપોર્ટેશન અને સમયની બચત થશે. રાજ્યમાં હાલમાં અમદાવાદ અને સુરતમાં મેટ્રોનું કામ શરૂ છે. સુરતમાં મેટ્રોના 40 કિ.મી રોડ પર કામ શરૂ છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સુધી મેટ્રો સેવાનો વિસ્તાર કરવામાં કેન્દ્ર સરકારની મંજૂરી માંગવામાં આવી છે.