સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા વચ્ચેથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે રોડ પર અવારનવાર અકસ્માત બનતા હોય છે જોકે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે વહેલી સવારે ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત: અકસ્માતમાં ઇનોવા કારમાં સવાર 8 લોકોમાંથી સાત લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાવી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બાદ વઘુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઇનોવા કાર લઈને આ તમામ મૃતકો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતને પગલે કારનો કચ્ચરગાણ નીકળી ગયો હતો.
કારમાં કુલ 8 લોકો સવાર હતા: કારમાં સવાર તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં કુલ આઠ લોકો સવાર હતા. જેમાં જાણવા મળ્યું છે કે શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા જે દરમિયાન ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં ઘટના સ્થળે 7 ના મોત થાય હતા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. કારમાં સવાર કુલ આઠ લોકોમાંથી 7 પુરુષો 1 મહિલા હતી, જેમાં મહિલાની હાલત ગંભીર છે.
ગંભીર અકસ્માતનાં દ્રશ્યો ચોકાવનારા: નેશનલ હાઇવે રોડ પર ગંભીર અકસ્માતને પગલે હિમતનગર ગ્રામ્ય પોલીસ ડીવાઇએસપીનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. ગંભીર અકસ્માતને લઈ ફાયર વિભાગ દ્રારા કાર કાપી મૃતદેહો બહાર નિકાળાયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે તમામ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: