અમદાવાદ: કોલકત્તાની જી આર મેડિકલ કોલેજની જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર દેશ અને રાજ્યના દરેક જિલ્લા અને રેસીડેન્સ ડોક્ટર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને રેસીડેન્સ ડોક્ટરની સુરક્ષા માટે કોઈ ચોક્કસ કાયદાઓ બનાવવામાં આવે અને વારંવાર જે આવી ઘટનાઓ બને છે જેની અંદર પીડિતનો ઈલાજ કરનાર ડોક્ટર જ પીડીત બની જાય છે. તે ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગણીઓ ચાલી રહી હતી.
ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ શહેરની બીજી ખાનગી હોસ્પિટલો એ પણ ગઈકાલે માત્ર ઈમરજન્સી સેવાઓ સિવાયની બધી સેવાઓ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કેન્ડલ માર્ચ અને હ્યુમન ચેન બનાવીને પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દેશભરમાં આ દુર્ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યા છે.. સિવિલ હોસ્પિટલના સમગ્ર પરિસરમાં હવે SHE ટીમ હાજર રાખવાનો નિર્ણય કરાયો છે. હવે રાત્રીના સમયે પણ સિવિલ પરિસરમાં SHE ટીમ હાજર રહેશે. સુપરિટેન્ડન્ટ દ્વારા પરિસરમાં પોલીસની SHE ટીમ રાખવા અમદાવાદ પોલીસ કમિશનરને અપીલ કરવામાં આવી હતી અને અમદાવાદ પોલીસ કમિશનરે મંજૂરી આપતા હવેથી 24 કલાક હોસ્પિટલમાં SHE ટીમ હાજર રહેશે. મહિલા હોસ્ટેલ, મેડિકલ કોલેજ અને ટ્રોમા સેન્ટર આસપાસ વિશેષ કાળજી રાખવામાં આવશે.