અમદાવાદઃ અમદાવાદમાં SUV કારમાંથી દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે 3 ઝડપાયા. 'આઈ' ટ્રાફિક પોલીસે ઓઢવ રિંગરોડ બીટમાં આવેલ અદાણી સર્કલ પોઇન્ટ ખાતે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સામાં પોલીસે કુલ 5,29,210 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ પૂર્વ વિસ્તારના ટ્રાફિક એસીપી ડી.એસ. પુનાડીયાએ જણાવ્યું હતું કે, 24 જુલાઈના રોજ 'આઈ' ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેરમાં આવતા-જતા વાહનો ચેક કરી રહી હતી. જે દરમિયાન સફેદ કલરની RJ.29.CB.0781 નંબરની મહિન્દ્રા SUV 300 રાજસ્થાનથી અમદાવાદમાં દાખલ થઈ હતી. ટ્રાફિક ટીમને શંકા જતા આ કાર રોકી તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન કારની આગળની સિટ પાસે નીચે પ્લાસ્ટિક કવરનાં નીચેના ભાગમાં પગ મુકવાની જગ્યાએ દેશી પિસ્તોલ અને 2 કારતૂસ મળી આવ્યા હતા.
ઝડપાયેલ 3 આરોપીઓઃ ટ્રાફિક એસીપી ડી.એસ. પુનાડીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અંકિત પ્રકાશ શર્મા, જગદીશચંદ્ર સાલવી અને રાધેશ્યામ ભાટ ત્રણેય જણાં રાજસમંદ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. જેમની પાસેથી 5,29,210/- નો મુદ્દા માલ કબજે કરીને આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે આરોપીઓને સોંપવામાં આવ્યા છે.