અમદાવાદ: શહેરના એસ.જી.હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના બહાને દર્દીઓના પરિવારની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીઓના મોતને લઈને રાજ્યભરમાં ચકચાર મચી ગયો છે. આ મામલે પોલીસ ડો.પ્રશાંત વજરાણીની ધરપકડ કરી છે.
આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ લઈને દર્દીઓના જીવ સાથે રમત રમતી ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પર ચારેકોરથી ટીકાઓ વરસી છે તેમ છતાંય એક સવાલ ઉઠ્યો છે કે, આ ઘટનાના જવાબદારોને તેમના પાપની સજા ક્યારે મળશે અને ક્યારે પીડિતોને ન્યાય મળશે?
અત્યાર સુધીની હાઈલાઈટ્સ
- 10 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણાના બોરીસણા ગામે યોજાયો હતો કેમ્પ
- કેમ્પમાં 100થી વધુ દર્દીઓ ચેકઅપ માટે આવ્યા હોવાનો હોસ્પિટલનો દાવો
- 19 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી, જ્યારે 7ને સ્ટેન્ટ મુકાયા
- સ્ટેન્ટ મુકાયેલા 7 દર્દીઓમાંથી બે દર્દીઓનું થોડીજ કલાકમાં થયું મૃત્યું
- 45 વર્ષીય મહેશ બારોટ અને 59 વર્ષીય નાગરભાઈ સેન્મના નામના બે દર્દીઓના સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકો બાદ મૃત્યું
- ઘટના બાદ રોષે ભરાયેલા મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
- ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ
- વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા સસ્પેન્ડ કરાઈ હતી
- ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ થશે રદ
- ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ભાજપ નેતાની ભાગીદારી હોવાનો આરોપ
- ખ્યાતિ હોસ્પિટલ કેસમાં રાજ્ય સરકાર બનશે ફરિયાદી,
- CM,આરોગ્ય મંત્રી અને પોલીસ વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો
- યુએન મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ તપાસ કરશે
- ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારી
- સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વઝીરાણી, ડો.સંજ્ય પટોલિયા અને રાજશ્રી કોઠારીને સાત દિવસમાં ખુલાસા કરવા આદેશ
- બે દર્દીઓના મૃત્યું મામલે ડો. પ્રશાંત વજરાણીની ધરપકડ
કેવી રીતે મામલો આવ્યો પ્રકાશમાં
ગત 10મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામે મહાદેવ મંદિરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં આવેલા લોકોમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી કથિત 7 દર્દીઓને કોઈપણ સંમતિ વગર સ્ટેન્ટ લગાવી દેવામા આવ્યું હતું. જેમાંથી 45 વર્ષીય મહેશ બારોટ અને 59 વર્ષીય નાગરભાઈ સેન્મના નામના બે દર્દીઓના સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકો બાદ મૃત્યું થયુ હતું. આ બંને દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પ્રશાંત વઝીરાણીએ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, ડૉ. વઝીરાણીનુ ખ્યાતિ હોસ્પિટલના પેનલ ડૉક્ટરમાં નામ જ નથી. તેમ છતાંય ડૉ. વઝીરાણી પાસે દર્દીઓની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કેમ કરાવવામાં આવી તે સવાલ ઉઠયો છે. હાલ ખ્યાતિ હોસ્પિટલના માલિક ડોક્ટર કાર્તિક પટેલ સહિત અન્ય ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલ ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે.
PMJAY થકી કમાણી કરવાનું કૌભાંડ
ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમી રહી હતી, ત્યારે એક બાબત એ પણ જાણવા મળી છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી. હોસ્પિટલમાં બે-બે દર્દીના મોતની આ ઘટનાએ ગુજરાત સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ અંગે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી. જેમાં શું નિર્ણય લવાયો અને શું કાર્યવાહી કરાશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સુત્રો પાસેથી જ મળતી માહિતી અનુસાર આ કેસમાં રાજ્ય સરકાર જ ફરિયાદી બનશે. પરંતુ, હોસ્પિટલને તાત્કાલિક બંધ કરાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા સસ્પેન્ડ કરાઈ હતી તેવું પણ જાણવા મળ્યું છે.
સોલા સિવિલ હોસ્પિટલનો ખુલાસો: મૃત્યુ પામેલા દર્દીઓના પોસ્ટમોર્ટમ કરવા માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સોલા સિવિલ તરફથી મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પામેલા દર્દીઓને માત્ર 40 ટકા બ્લોકેજ હતું છતાં ઓપરેશન કરી સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યું હતું. આ મામલે સોલા પોલીસ સ્ટેશન ખાતે સોલા સિવિલ હોસ્પિટલના CDMO ડૉ. પ્રકાશ મહેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોણ છે હોસ્પિટલના માલિક અને મુખ્ય ચહેરા
ખ્યાતિ મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલના માલિક ડોક્ટર કાર્તિક પટેલે મેડિકલ વ્યવસાય જ નહીં પરંતુ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં અને શિક્ષણના વ્યવસ્યામાં પણ હાથ અજમાવ્યો છે. કાર્તિક પટેલના ભાજપના ટોચના નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાની પણ ચર્ચાઓ છે. આ ઉપરાંત ખ્યાતિ હોસપ્ટિલના સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વઝીરાણી, ડો.સંજ્ય પટોલિયા અને રાજશ્રી કોઠારીને સાત દિવસમાં ખુલાસા કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલે આદેશ આપ્યાં છે.
ખ્યાતિ હોસ્પિટલના 5 ડોક્ટરો સામે ફરિયાદ
જ્યારે બોરીસણા ગામના રહેવાસી અને મૃતકના પરિવાર જયરામભાઈ અને ગીરધરભાઈ બારોટ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી, કાર્તિક પટેલ, સંજય પટોડીયા, ચિરાગ રાજપુત, રાજશ્રી કોઠારી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવેલ છે.
ગુજરાતમાં એક તરફ મેડિકલ ટૂરિઝમ વિકસાવવાના બણગા ફુંકવામાં આવે છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ જેવી સંસ્થાઓ ગુજરાતની આરોગ્ય સેવાઓ પર ડાઘ લગાડી રહી છે. હવે જોવું રહ્યું કે, આ મામલે કસૂરવારો સામે કડકમાં કડક પગલા લેવાશે કે, સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાય જાય છે.