અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ ઝડપાયેલી ખ્યાતિ હોસ્પિટલની ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. ગ્રામ્ય કોર્ટે 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજશ્રી કોઠારીના દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને ગ્રામ્ય કોર્ટ દ્વારા માન્ય રાખીને 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પહેલા રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી અને કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
રોજ 10 ઓપરેશનનો ટાર્ગેટ હતો
આ મુદ્દે સરકારી વકીલ દ્વારા સમગ્ર કેસની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરરોજ 10 ઓપરેશનનો ટાર્ગેટ હતો. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત થયા હતા. એની તપાસ ચાલી રહી છે, એન્જિયોપ્લાસ્ટીમાં કુલ છ લોકોના મોત થયા હતા, જેમાંથી 4ના જાણવા જોગ અરજી પર તપાસ ચાલી રહી છે.
રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
આ મામલે રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને કોર્ટે જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. એટલે જામીન મુક્ત કરવામાં આવે, પરંતુ કોર્ટે રાજશ્રીની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડાયરેક્ટર છે અને હોસ્પિટલમાં તેમની 3.61% ની પણ ભાગીદારી છે. ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ રાજશ્રી કોઠારી ફરાર હતી. પરંતુ 32 દિવસ પછી તેની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસની સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના દિવસે કડીના બોરીસણા ગામના 19 લોકોને લાવવામાં આવ્યા હતા. આ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીના મોત થતા હોસ્પિટલ પર હંગામો કરવામાં આવ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ખોટી રીતે ઓપરેશન કરી નાખ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ સૌપ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજેરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર પ્રશાંત વજેરાણીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ત્યાર પછી ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ આરોપી કાર્તિક પટેલ હજી સુધી ફરાર છે તેને શોધવા તપાસ ચાલી રહી છે.
ખ્યાતિ કાંડ ના ઝડપાયેલા આરોપીઓના નામ
- ડૉક્ટર પ્રશાંત વજીરાણી
- ચિરાગ હિરાસિંહ રાજપુત
- મિલિંદ કનુભાઈ પટેલ
- રાહુલ રાજેન્દ્રકુમાર જૈન
- પ્રતિક યોગેશભાઈ ભટ્ટ
- પંકિલ હસમુખભાઈ પટેલ
- ડૉક્ટર સંજય પાટોળીયા
- રાજશ્રી કોઠારી
ફરાર આરોપીનું નામ
- કાર્તિક પટેલ
આ પણ વાંચો: