અમદાવાદ: અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિ બાદ બે દર્દીના મોત બાદ હવે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. સરકારે બનાવેલી તપાસ કમિટીમાં ખુલાસા મુજબ, હોસ્પિટલમાં દર્દીઓને વધારે બ્લોકેજ બતાવીને તેમનું ઓપરેશન કરવાનો ખેલ કરવામાં આવતો હતો.
ખ્યાતી હોસ્પિટલ મામલે અમદાવાદ શહેર ઝોન-1 ના DCP હિમાંશુ વર્માએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલના પાંચ લોકો વિરોધ અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં એક ફરિયાદ CDHO દ્વારા અને અન્ય બે ફરિયાદ કડીમાં બોરીસણા ગામના લોકો દ્વારા નોંધાવવામાં આવી હતી. જે ટ્રાન્સફર થઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આવી છે.
ડૉ. પ્રશાંત વજીરાણી ધરપકડ, સાત દિવસના રિમાન્ડ મંજૂર
એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરનાર ડૉ. પ્રશાંત વજીરાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા પ્રશાંત વજીરાણીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે સાત દિવસ દરમિયાન પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે અને સમગ્ર મામલાની વિગતે માહિતી મેળવવામાં આવશે.
ખ્યાતી હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવી સમાન્ય બલોકેજને વધુ બતાવી હતી
સરકાર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી. જે કમિટી દ્વારા આજરોજ રિપોર્ટ આપવામાં આવ્યો છે. જે પ્રમાણે મૃત્યુ પામેલ દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની કે એન્જીયોપ્લાસ્ટી કરવાની કોઈ જરૂર ન હતી. માત્ર 20%-40% બ્લોકેજને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પોતાના રિપોર્ટમાં 70 % થી 80 % બ્લોકેજ બતાવવામાં આવતું હતું અને જે તે વ્યક્તિને એન્જીયોપ્લાસ્ટી કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. આમ દર્દી સાથે અને તેમના પરિવાર સાથે ફ્રોડ કરવામાં આવતું હતું.
માલિક કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા, અન્ય 3 અંડર ગ્રાઉન્ડ
ખ્યાતિ હોસ્પિટલના 5 લોકો વિરુદ્ધ ત્રણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં, ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ એ હાલ ઓસ્ટ્રેલિયા છે ત્યારે અન્ય 3 સંજય પટોડીયા, ચિરાગ રાજપુત અને રાજશ્રી કોઠારીનો સંપર્ક પોલીસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.
પ્રશાંત વજીરાણી ડીગ્રી અસલી કે નકલી ? પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી
ડૉ. પ્રશાંત વજીરાણીની પ્રાથમિક પૂછતાછમાં પોલીસને માહિતી મળી છે કે તે ખ્યાતિ હોસ્પિટલ સિવાય પણ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જતો હતો. તે પોતે જણાવે છે કે DNB ની ડીગ્રી છે અને તે આ પ્રકારની સર્જરી કરવા માટે યોગ્ય છે. સાથે PMJAY માં પણ તે રજીસ્ટર્ડ છે, ત્યારે પોલીસ દ્વારા તેની ડીગ્રી પણ અસલી છે કે નકલી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: