અમદાવાદ : ગુજરાતમાં હાલ ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 40 થી ઉપર જતાં જનતાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં પક્ષી અને પ્રાણીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. આવો જોઈએ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓની હાલત કેવી છે.
હિપ્પોએ હોજમાં માણી મોજ : હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે બાળકો સાથે વાલીઓ આટલી ગરમીમાં પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા નજરે પડ્યા હતા. પિંજરામાં વાઘ-સિંહ બરાબર કૂલરની સામે જ બેસીને ઠંડી હવાનો અહેસાસ કરતા નજરે પડ્યા હતા. કૂલરની સામે જ બેસેલું એક પક્ષી તો જાણે ત્યાંથી ખસવા જ ન માંગતું હોય, તો બીજી તરફ હિપ્પોપોટેમસ પાણીના હોજમાં મોજ માણતા નજરે પડ્યા હતા.
'એનિમલ કીપર સ્ટાફ અને વેટરનીટી ડોક્ટર 24 કલાક પ્રાણીઓ અને પક્ષીઓનું મોનિટર કરે છે. દરેક પ્રાણીઓના શરીરનું તાપમાન અલગ અલગ હોય છે અને તે પ્રમાણે તેનું સંતુલન જાળવી રાખવાનો અમારો પ્રયત્ન છે. બહારના તાપમાન કરતાં અહીંનું તાપમાન 2-3 ડિગ્રી ઓછું હોય છે. અત્યાર સુધી અમને ગરમીના લીધે કોઈ પ્રાણી કે પક્ષીઓમાં સમસ્યા જોવા મળી નથી ' -- ડો. સર્વ શાહ (કાંકરિયા ઝૂ સુપ્રિટેન્ડેટ)
પ્રાણી-પક્ષી માટે ખાસ વ્યવસ્થા : હાલ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વ્યવસ્થાને લઈને કાંકરિયા ઝૂના સુપ્રિટેન્ડેટ ડો. સર્વ શાહે જણાવ્યું કે, વધતી ગરમીને ધ્યાનમાં લઈને 35થી 40 મોટા ઇન્ડસ્ટ્રીયલ કૂલર મુકવામાં આવ્યા છે. સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓને ઠંડક મળે. સાથે તેમના પાણીમાં ORS અને ઈલેટ્રોરલ પાઉડર પણ નાખવામાં આવી રહ્યો છે. આ સાથે ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. જેથી સુરજના તીક્ષ્ણ કિરણોથી રક્ષણ મળે.
ગ્રીન નેટ થકી છાંયડો : કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 2000થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ છે. પ્રાણી સંગ્રહાલયની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષ હોવાથી થોડા અંશે ગરમીથી રાહત તો ચોક્કસ મળે છે. પરંતુ જ્યાં તડકાનું પ્રમાણ જોવા મળે છે, ત્યાં ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. જેથી ન માત્ર પ્રાણીઓ પણ મુલાકાતીઓને પણ ગરમીથી રાહત મળે. પ્રાણીઓ તેમજ પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે.