વલસાડ: આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોય છે. અને તેઓ તેમની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. વલસાડના આદિવાસી સમાજ પણ આ પરંપરા જાળવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઊંડાણમાં આવેલા ગામ પીપરોડ ખાતે ડુંગર ઉપર વરસાદી દેવ અભીનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ચોમાસુ શરૂ થાય તે પહેલા 150થી વધુ ગામના આદિવાસી સમાજના લોકો વિશેષ પૂજા કરે છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન વ્યાપક વરસાદ થાય અને ડાંગરનું ઉત્પાદન અને ખેતીનું ઉત્પાદન ખૂબ સારું રહે અને વર્ષ સુખ શાંતિથી પસાર થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ વર્ષે પણ આદિવાસી સમાજ દ્વારા આ પૂજન કરવામાં આવ્યું હતું.
વિશેષ હવન પણ કરવામાં આવ્યું: આદિવાસી સમાજ દ્વારા વરસાદ થાય તે માટેની પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં પણ આ પૂજન પૂર્ણ થયા બાદ ગામના પાદરે એટલે કે ગામના પ્રવેશ દ્વાર આગળ જ્યાં ગામ દેવ હોય છે, ત્યાં વિશેષ હવન પણ કરવામાં આવ્યું હતું.
જાણવા જેવી બાબત એ છે કે, અભીનાથ મહાદેવ મંદિરમાં બનાવવામાં આવેલી છતમાં એક પણ દોરી કે ખિલાનો ઉપયોગ કરાયો નથી.
એક ચમત્કારથી વધુ શું હોઈ શકે?: અભીનાથ મહાદેવનું મંદિર ડુંગર ઉપર હોવાથી અહીં વાવાઝોડું અને પુષ્કળ પ્રમાણમાં ઝડપી પવન ફૂંકાય છે, પરંતુ વર્ષોથી બનેલું આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની બનાવટમાં કોઈપણ સ્થળે ન તો કોઈ દોરી કે ન તો કોઈ લોખંડના ખીલાનો ઉપયોગ કરાયો છે. એટલે કે અત્યાર સુધીમાં અનેક વાવાઝોડા અને ઝડપી પવનો ફૂંકાયા, પરંતુ આજ દિન સુધી મંદિરની છતને કોઈ નુકશાન થયું નથી. જે એક ચમત્કારથી વધુ શું હોઈ શકે એવું સ્થાનિકોનું માનવું છે.
મંગલ કામના કરી: આમ ધરમપુરના મોટી ઢોરડુંગરી ગામના લોકોએ પરંપરાગત વરસાદી દેવની પૂજા કરી હતી. અને આગામી વર્ષ ખૂબ સમૃદ્ધિ, શાંતિ સાથે વીતે તેવી મંગલ કામના કરી હતી.