ભાવનગર: રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગર શહેરમાં ફાયર વિભાગે આડેધડ બિલ્ડીંગોને નોટિસ આપવાની શરૂઆત કરી અને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે સમગ્ર શહેરમાં વ્યવસાયિક બિલ્ડીંગોમાં મારેલા સીલને પગલે વેપારીઓ લાલઘુમ થઈ ગયા છે. ભાવનગરના માધવ કોમ્પ્લેક્સ બિલ્ડીંગના પ્રમુખે અન્ય વ્યાપારીઓને સાથે રાખીને કમિશનરને રજૂઆત કરી હતી અને 24 કલાકમાં સીલ ખોલવાનું અલ્ટીમેટમ આપ્યું હતું તેમ નહીં થાય તો તેઓ જાતે સીલ તોડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
સીલ મારવા પગલે વેપારીઓ લાલઘૂમ: ભાવનગર શહેરના માધવ દર્શન કોમ્પલેક્ષના 400 દુકાનોના વેપારીઓ અને પ્રમુખ મહાનગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. કમિશનર એન.વી. ઉપાધ્યાય અને શહેર કોંગ્રેસ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પ્રમુખને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે માધવ દર્શન કોમ્પલેક્ષના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું માધવ દર્શન કોર્પોરેશનનો હું પ્રમુખ છું. અમારા કોમ્પ્લેક્ષમાં 400 વેપારીઓ છે. અમારા 400 વ્યાપારીઓને ત્યાં કોર્પોરેશન દ્વારા અને અજાણ્યા લોકો દ્વારા રાત્રિ દરમ્યાન સીલ મારવામાં આવ્યા છે. અમને લોકોને ખબર નથી કોણે સીલ માર્યા અમને એમ થયું કોર્પોરેશન સિલ માર્યા હશે એટલે અમે રજુઆત કરવા આવ્યા છીએ. અમને કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી દુકાનોને રાત્રીના સમયમાં અમેં લોકો ઘરે જતા રહ્યા પછી સીલ મારી દીધેલા છે. અમને કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર અને અમને કોઈ જાણ કર્યા વગર સીલ મારી દેવામાં આવ્યા છે.
પ્રમુખે આપી સીલ જાતે ખોલવાની ચીમકી: માધવદર્શન કોમ્પ્લેક્ષના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો આ સીલ તાત્કાલિક પગલે ખોલવામાં નહી આવે તો 24 કલાકમાં અમે સવિનય કાયદાનો ભંગ કરીને આ સીલ ખોલી નાખશું. આ કોઈ પક્ષનો નહીં પરંતુ આખા ભાવનગરના વેપારીઓના હિતનો પ્રશ્ન છે. 24 કલાકમાં સીલ નહિ ખોલવામાં નહી આવે તો હું 24 કલાકમાં કાયદાનો ભંગ કરીને સીલ ખોલી નાખીશ અને જો મારી સામે કેસ કરશે તો અમે પણ સામે કેસ કરશું. કાયદો બંને પક્ષે લાગુ પડે છે. ઓથોરિટીને અમે માન આપીએ પરંતુ અમારી રોજી રોટી તમે છીનવી લો અને એ કોઈ પણ જાણ કર્યા વગર તો એ ચલાવી લેવામાં આવશે નહીં.
એક દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો ન લાગે: માધવ કોમ્પ્લેક્સ જ્યારે પણ બન્યું ત્યારે ફાયર સેફટીનો કોઈ કાયદો અમલમાં નહોતો. અમારી પાસે બીયુ પરમિશન છે. NOC બધી જ પરમિશન છે પણ અમને કોઈ નોટિસ નથી આપી. જ્યારે સીલ મારવામાં આવ્યું ત્યારે અમારા માણસો કમિશ્નર સાહેબ પાસે આવ્યા હતા. કમિશનર સાહેબે એવું જણાવ્યું હતું કે, તમે કોર્ટમાં જાઓ. ત્યારે અમે કહ્યું કે, સાહેબ તમે સરકાર છો તમારે કોર્ટમાં જવાનું હોય અમારે ન જવાનું હોય. અમારા અધિકાર ઉપર તરાપ ન મારો આ અમારી રોજે રોટીનો સવાલ છે. રોજી રોટી છીનવી લેવાથી કોઈ ફાયદો નહીં થાય. આખા ભાવનગરમાં એક દિવસમાં કોઈ ફાયર સેફ્ટી બધે લાગી ન શકે અને અગાઉ કેમ નોટિસ નથી આપી, તમારી નબળાઈ તમે છુપાવો છો. ત્યારે કમિશ્નરે અમને કહ્યું કે, કોર્ટનો આદેશ છે તો આદેશ બતાવો. તમે છાપામાં નોટિસ આપી નોટિસ ક્યારે આપી તે 30 દિવસમાં સમાપ્ત થઈ જાય છે. અમારી સાથે બીજા વકીલો પણ છે બધાને કાયદાનું જ્ઞાન છે.