મહીસાગર: જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ ચાલુ કરાયું છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર વધુ વરસાદના કારણે ઊંડા ખાડા પડી ગયેલા હતા. જેનાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા હોવાથી તાત્કાલિક ટાઉનપોલીસ દ્વારા ખાડા પુરવામાં આવ્યા છે.
શાળાઓમાં વિધાર્થીઓને રજા: આઈ.સી.ડી.એસ શાખા પ્રોગ્રામ ઓફિસર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2024 ના બુધવારના રોજ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી મહીસાગર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્ર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તારીખ 28 ઓગસ્ટ 2024 ના બુધવારના રોજ શાળાઓમાં વિધાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી.
સમસ્યાઓના નિરાકરણની કામગીરી: મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજી, જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામય વિસ્તારને જોડતા રસ્તાઓનું ધોવાણ થયું હતું. જયારે કેટલાક માર્ગો પર ઝાડ પડવાના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી. તો કેટલાક વિસ્તારમાં પાણી અને વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલી કામગીરીના પરીણામે સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.
મૃતકના પરિવારને 4 લાખની સહાય: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતના હરિપુરા ગામ ખાતે રાત્રિના સમયે ભારે વરસાદના પગલે કાચુ મકાન ધરાશાય થતાં દંપતિનું મૃત્યુ થયું હતું. જેની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ટીમ ઘટના સ્થળે પોહચી તાત્કાલિક સર્વે કરી માનવ મૃત્યુ અંગેની ચકાસણી કરી વહીવટી તંત્રે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ભોગ બનનાર પરીવારજનોને માત્ર 24 કલાકમાં જ ₹ 4-4 લાખની મૃત્યુ સહાયનો ચેક મૃતકના માતાને અર્પણ કર્યો હતો.
સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ: ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગની 280 આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરાયો છે. ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. મહીસાગર જિલ્લામાં વધુ વરસાદ થવાથી આરોગ્ય વિભાગ દ્વારા કુલ 280 આરોગ્ય ટીમ દ્રારા ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબલેટ, ઓ.આર.એસ. તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખું પાણી પીવાલાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લામાં પડી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે અને સાથે રસ્તાઓ પર ઝાડ પણ પડી રહ્યા છે ત્યારે શિક્ષણ પ્રધાન ડો. કુબેરભાઈ ડિંડોર જાતે હાથમાં કુવાડી લઈ ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરી રહ્યા હતા. કુબેરભાઈ ડિંડોર પણ ગામે ગામ જઈ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી પણ કરી રહ્યા છે.
બાલાસિનોર પ્રાંત અધિકારીના જણાવ્યા પ્રમાણે: ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટના પગલે અત્રેના મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને વીરપુર તાલુકાઓમાં પણ બાલાસિનોરમાં 10 ઇંચ થી વધારે વરસાદ પડેલો હતો. બે ત્રણ દિવસમાં અને વીરપુરમાં પણ એટલો જ આઠ થી સાડા આઠ ઈંચ વરસાદ પડેલો હતો. નુકસાનની વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં ટોટલ કાચા અને પાકા અંશત: મકાનોમાં 43 મકાનોને નુકસાન થવા પામેલું છે. એ તમામના હુકમ થઈ ગયા છે. ગઈકાલ તારીખના નવ જે અંશત: મકાનો છે એના હુકમ ખાલી બાકી છે જે આજે કરવામાં આવશે અને વીરપુર તાલુકાના ટોટલ 55 મકાનો છે અને એમાંથી પણ 49 અંશત: મકાનો જે ગઈકાલે આવ્યા છે એના હુકમો બાકી છે. એ સિવાયના તમામ હુકમો થઈ ગયા છે.
રેસ્ક્યુની કામગીરી કરાઈ: વીરપુરમાં 10 પશુના મૃત્યુ થઈ ગયા છે, એ તમામને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાલાસિનોરના બે પશુ મૃત્યુના પણ સર્વે કરી અને એમનું પણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમના પણ હુકમ કરવામાં આવશે. આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં ઘણી બધી સોસાયટી ખાસ કરીને નાલંદા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને નગરપાલિકાની ફાયર અને ટેકનીકલ ટીમ દ્વારા તાત્કાલિક જીસીબીનો ઉપયોગ કરી અને તે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. એ સિવાય એક વડદલાની બાજુમાં જ ગળતેશ્વર તાલુકાની બોર્ડર છે, ત્યાં કાંઠડીમાં 25 લોકો અંદાજિત ફસાયેલો હોવાની જિલ્લા કંટ્રોલરૂમમાં માહિતી મળેલ હતી. જેથી મામલતદાર બાલાસિનોર અને મામલતદાર ગળતેશ્વર બંનેની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી અને તમામ લોકોને રેસક્યું કરી લોકોને ખસેડવામાં આવ્યા હતા.
બાલાસિનોરની નાલંદા સોસાયટીના રહીશ પ્રવીણ સેવક જણાવે છે કે, બાલાસિનોરમાં નાલંદા સોસાયટી જવાના રસ્તે ત્રણ દિવસ અગાઉ 10 ઇંચ ઉપરાંત વરસાદ થતા નાલંદા સોસાયટી જવાના રસ્તે પુષ્કળ પાણી ભરાતા બે ત્રણ ફૂટ પાણી ભરાતા સોસાયટીના રહીશોના અવરજવર બંધ થતાં સૌને ખૂબ હાલાકી પડી હતી. આ બાબતની નગરપાલિકાની જાણ કરતા નગરપાલિકાએ તાત્કાલિક પાણીનો નિકાલ કરતા હાલ સોસાયટીના રહીશોએ રાહત અનુભવી છે.
બાલાસિનોરની નાલંદા સોસાયટી પાસે રહેતા દેવાંગ પટેલ જણાવે છે કે, બાલાસિનોરમાં ત્રણ દિવસથી વરસાદ પડતાં દશ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના લીધે પાણી ભરાતા બહુ હાલાકી પડી હતી, પાલિકાને જાણ કરતાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યારે મુશ્કેલી ઓછી થઈ છે.