સુરત: શહેરમાં ભારે વરસાદને કારણે સુરતનાં નીચાણવાળા વિસ્તાર તથા ખાડી કિનારાનાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારોમાં ખાડીપુરના પાણીના ધીમે ઓસરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ ધ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ઉચ્ચ અધિકારીઓએ કામગીરીનું કર્યું નિરિક્ષણ: આ ઉપરાંત રેપીડ રીસ્પોન્સ મેડીકલ ટીમ અને VBDC વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાના સર્વેની કામગીરી સાથે દવાઓ આપવાની તેમજ રોગચાળાની અટકાયત બાબતે કામગીરી હાથ ઘરવામાં આવી છે. સફાઇકર્મીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું
મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુમાં વધારો: વરસાદી માહોલમાં મચ્છરજન્ય રોગો થવાની ભીંતિ રહે છે. પાણી ભરાયેલા રહે તેનાથી મચ્છરોનો વ્યાપ વધી જાય છે. મચ્છરોના કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોનો વ્યાપ વધતો જાય છે. જેનાથી વરસાદી માહોલમાં દર્દીઓથી હોસ્પિટલો ભરાયેલી રહે છે. ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સુરતના નિંચાણવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો અને સફાઇ કર્મીઓ સાથે અધિકારીઓએ કામગીરી કરી હતી.