જુનાગઢ: જૂનાગઢના હીરા માર્કેટમાં પાછલા કેટલાક સમયમાં 125 કરતાં વધુ કારખાના કામ નહીં મળવાને કારણે બંધ થયા છે. જેથી સમગ્ર વિશ્વની હીરા બજારની સાથે જૂનાગઢની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર પણ હવે મંદીના કાળા ડિબાંગ વાદળો છવાતા જોવા મળી રહયા છે.
હીરા બજાર પર છવાયા મંદીના વાદળો: હાલ સમગ્ર વિશ્વની હીરા બજાર મંદીના વમળમાં ફસાયેલી જોવા મળી રહી છે. અમેરિકા, હોંગકોંગ બાદ ગુજરાતને હીરા ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. ત્યારે ફરી એક વખત હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાતા જોવા મળી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ વિપરીત અસરો વૈશ્વિક હીરા બજાર પર પણ પડી રહી છે. જેને કારણે હીરાના કારખાનાઓમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે, તો કેટલાક કારખાનાઓ કામ નહીં મળવાને કારણે બંધ થતા જોવા મળી રહયા છે.
સૌથી મોટી રોજગારી આપતો ગુજરાતનો ઉદ્યોગ: હીરા બજાર આજે પણ ગુજરાતમાં સૌથી વધારે સ્થાનિક રોજગારીના સર્જન કરતા એકમાત્ર ઉદ્યોગ તરીકે જોવા મળે છે, પરંતુ બજારમાં છવાયેલી મંદીને કારણે સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ આજે મરણ પથારી તરફ આગળ વધી રહ્યો છે. લાખો કરોડો રૂપિયાનું વાર્ષિક આપતો હીરા ઉદ્યોગ આજે વૈશ્વિક મંદીને કારણે સ્થાનિક પકડ જાળવી રાખવામાં પણ નબળો પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢના 25% કરતાં વધારે રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે.
પાછલા કેટલાક સમયમાં કારખાના થયા બંધ: પાછલા કેટલાક સમયમાં જૂનાગઢ શહેરમાં 125 જેટલા કારખાનાઓ કામ નહીં મળવાને કારણે બંધ થયા છે. એક સમયે જુનાગઢ શહેરમાં 225 થી લઈને 250 જેટલા કારખાનાઓ ધમધમતા હતા. જેમાં આઠથી નવ હજાર જેટલા રત્ન કલાકારો પ્રતિ મહિને તેની આવડત અને કામ કરવાની ક્ષમતા સાથે 15 હજારથી લઈને 25,000 સુધી કમાઈ લેતા હતા, પરંતુ આજે વિપરીત પરિસ્થિતિમાં 2000ની આસપાસ રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી છે જેને કારણે હીરાના ટર્ન ઓવરમાં પણ ખૂબ ઘટાડો થયો છે.
કાચા હીરા સુરત થી આવે: હાલ જુનાગઢ શહેરમાં 175 જેટલા કારખાનાઓ થોડે ઘણે અંશે ચાલી રહ્યા છે. જેમાં સુરતથી કાચા હીરા આવી રહ્યા છે, જેને ઘાટ બનાવીને ફરી સુરત મોકલવામાં આવી રહ્યા છે. સુરતના મોટા વેપારીઓને કારણે જૂનાગઢની હીરા બજારમાં થોડા ધણા અંશે રત્ન કલાકારોને કામ મળી રહ્યું છે, પરંતુ આ જ પ્રકારે વૈશ્વિક મંદી સતત આગળ વધતી રહેશે તો જૂનાગઢની હીરા બજાર પર પણ ગંભીર સંકટ આવીને ઊભું રહી શકે તેમ છે. જેને કારણે રત્ન કલાકારોને જીવન નિર્વાહ કરવું પણ ખૂબ મુશ્કેલ બની શકે છે.