રાજકોટ: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ત્યારે છેલ્લા એક મહિનાથી ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણી ખરી ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી દુકાનો, હોટલો અને મોલને સીલ કરવામાં આવ્યા હતા. શાળાઓમાં વેકેશન ખુલી ગયા બાદ રાજ્ય સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટની ચકાસણી માટેને કામગીરી હાથ ધરી છે. જેમાં રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. જેના માટે સ્ટાફ સતત ભાગદોડ કરી રહ્યું છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી કરાયેલા પરિપત્રમાં જણાવેલ છે કે, ગઈકાલે વિડીયો કોન્ફરન્સમાં અપાયેલી સૂચના મુજબ આજે એક જ દિવસમાં તમામ જિલ્લાઓમાં આવેલી શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી કરવાની સુચના આપી હતી. ત્યારે આજે રવિવારે રજાના દિવસે ફાયર સેફ્ટીના ચેકિંગની જવાબદારી સોંપવામાં આવતા અધિકારીઓ કામે લાગી ગયા હતા.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપાના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં ફાયર સેફટી બાબતે આજે સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફાયર એક્સ્ટિંગ્યુશર સહિતનાં સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ સમગ્ર તપાસનો રીપોર્ટ આવતી કાલે ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી આપવાનો રહેશે. આમ શાળાઓ શરુ થયા ગયા બાદ આ ચેકીગ કરવાનું શું કારણ છે તે પણ ચર્ચા જગાવતો વિષય છે.