પંચમહાલ: જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા નદી નાળા છલકાયા હતા. જેથી નીંચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ ગોધરામાં વિરામ લીધા બાદ સોમવારે વહેલી સવારથી વરસાદી રમઝટ બોલાવી હતી. રવિવારે વહેલી સવારથી જ શહેર ઉપર કાળા ડિબાંગ વાદળા જોવા મળી રહ્યા હતા. જેના કારણે શહેરમાં ગરમી અને બફારાનો અનુભવ લોકોને થઇ રહ્યો હતો.
વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી: સોમવારે વહેલી સવારથી અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા આગામી 5 દિવસ સુધી મધ્ય ગુજરાતમાં ભારે અતિભારે વરસાદની આગામી કરવામાં આવી છે. ગોધરા શહેરની વાત કરીએ ગત મહિને 12 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા હતાં.
નીચાણ વિસ્તારમાં પણ 1થી 2 ફૂટ પાણી ભરાયા: વરસાદે 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ ગોધરા શહેરના શહેરા ભાગોળ, ખાડી ફળિયા, યોગેશ્વર સોસાયટીના મોટાભાગના વિસ્તારો બામરોલી રોડ, વાવડી, બુઝર્ગ, ભુરાવાવ સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ 1થી 2 ફૂટ પાણી ભરાયા હતા.
જિલ્લા કલેક્ટર અને અધિકારીઓએ મુલાકાત કરી: ત્યારે ફરી એકવાર ગોધરા નગરપાલિકાની વરસાદી કામગીરી પોલ ખુલ્લી પડી હતી અને ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. 4 દિવસ પહેલા પડેલા વરસાદમાં શહેર જળબંબાકાર થયા બાદ પાલિકા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી સામે સવાલ ઉભા થવા પામ્યા હતા. જેના કારણે તાત્કાલિક જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં તે વિસ્તારની મુલાકાત લઈ અને સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચો કરવામાં આવી હતી અને વહેલી તકે વરસાદી પાણીના નિકાલ કરવા માટે ખાતરી આપવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ગોધરામાં પાણી જ પાણી કરી દીધા હતા.
પંચમહાલના પાનમ ડેમના ગેટ ખોલાયા: મધ્યરાત્રિએ વરસેલા વરસાદને લઈ પંચમહાલના પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 93190 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઇ હતી. ફરી એકવાર પાણીની આવક થતાં પાનમ ડેમના 6 ગેટ 12 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. પાનમ ડેમના ગેટ ખોલી 99864 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ નદીમાં 127.41 મીટર રૂલ લેવલ સામે હાલ પાનમ ડેમની જળસપાટી 127.20 મીટર નવા પાણીની આવક થતાં પાનમ ડેમ 97.52 ટકા જેટલો ભરાયો. જ્યારે ઘોઘંબા તાલુકામાં આવેલ કરાડ ડેમ પણ 100 ટકા ભરાઇ જવા પામ્યો છે.
આ પણ વાંચો: