પાટણ: દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ પાટણ શહેરમાં મીઠાઈ અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક ભેળસેળિયા વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી રાતોરાત કમાણી કરી લેવાની પ્રવૃતિ કરતાં હોય છે. ત્યારે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પાટણ ફૂડ વિભાગ સચેત બન્યું હોય તેમ તપાસનો દોર આરંભ્યો છે.
ઘી વેપારીને ત્યાં ફૂડ વિભાગનો છાપો: દશેરાના દિવસે જ ફૂડ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઘી બજારમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા નિતિનકુમાર ભાઈલાલ ઘીવાળાને ત્યાં ટીમે સાથે ઓચિંતો છાપો મારતા ઘી બજારના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તેમજ વર્ષ દરમિયાન ઓફિસમાં બેસીને ACની હવા ખાતા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દિવાળીના તહેવારોમાં હાથ ધરાતી તપાસ કાર્યવાહી સામે પણ અનેક સવાલો શહેરીજનોમાં ઉઠવા પામ્યા છે.
ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લીધા: પાટણ ફૂડ વિભાગની ટીમે દશેરાના દિવસે ઘી બજારના વેપારીને ત્યાં ઓચિતો છાપો મારી ઘીના સેમ્પલ લેવાની કામગીરી કરી હતી તેની સાથે મોડે સુધી ટીમ દ્વારા વેપારીને ત્યાં તપાસ ચલાવવામાં આવી હતી. જો કે આ બાબતે ફૂડ વિભાગના અધિકારીને પૂછતા કામગીરી પૂર્ણ થયા પછી વિગતવાર માહિતી આપવાનું જણાવ્યું હતું.
વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો: પાટણના ઘી બજારમાં વેપારીને ત્યાં ફૂડ વિભાગની તપાસના પગલે અન્ય વેપારીઓમાં ભય ફેલાઇ ગયો હતો. ત્યાં અન્ય કેટલાક વેપારીઓ પોતાની દુકાનોના શટરો પાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: