સુરત : બિહારના સમસ્તીપુર જિલ્લામાં રિલાયન્સ જવેલર્સમાં થયેલ 5 કરોડની લૂંટ પ્રકરણના બે આરોપીને સુરત ગ્રામ્યની પલસાણા પોલીસ ટીમે જોળવાથી પકડી લીધા છે. આ આરોપીઓએ IPL ક્રિકેટર અનુકૂલ રાયના પિતા સુધાકર રાય પાસેથી પણ 6 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. પોલીસ બંને આરોપીને ઝડપી તેમનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
બિહાર ચકચાલી લૂંટ કેસ : ગત 28 ફેબ્રુઆરીના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના મોહનપુરામાં સ્થિત રિલાયન્સ જ્વેલર્સમાં આઠ હથિયારધારી લૂંટારુઓએ જ્વેલર્સના શોરૂમમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. આરોપીઓ સ્ટાફને બંધક બનાવી 10 કિલો સોનાના ઘરેણાં તેમજ IPL ક્રિકેટર અનુકૂલ રાયના પિતા સુધાકર રાય પાસે છ લાખ રોકડ મળી કુલ 5.6 કરોડની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.
ક્રિકેટરના પિતા ભોગ બન્યા : IPL ક્રિકેટર અનુકૂલ રાયના પિતા સુધાકર રાય પણ તે સમયે ખરીદી કરવા માટે જવેલર્સની દુકાનમાં ગયા હતા. ત્યારે લૂંટારુઓએ સુધાકર રાય પાસેથી રૂ. 6 લાખ રોકડા લૂંટી લીધા હતા. તેઓ ખરીદી કરવા માટે દુકાનમાં આવ્યા હતા અને તેમના રૂપિયા લૂંટાઈ ગયા હતા.
સમસ્તીપુરમાં થયેલી લૂંટના આરોપી જોળવામાં હોવાની જાણકારી મળતા અમારી ટીમે ત્યાં જઈને બે જણાને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી કોઈ મુદ્દામાલ મળ્યો નથી. પરંતુ બે મોબાઈલ ફોન કબજે લીધા છે. બંને આરોપીઓનો કબજો બિહાર પોલીસને સોંપવામાં આવશે. -- પ્રતિભા ગોદાના (પ્રોબેશનલ IPS, પલસાણા પોલીસ)
સુરતમાં છૂપાયા આરોપી : આ અંગે બિહાર મુફસસીલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. આ સનસની લૂંટના આરોપી પલસાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જોળવા સ્થિત સાંઈ શ્રદ્ધા રેસીડેન્સી ફ્લેટ નંબર 404 માં રોકાયા હોવાની બાતમી પલસાણા પોલીસને મળી હતી. જેના આધારે પલસાણા પોલીસે ભારત સરકારની ICIS પોર્ટલ પરથી આરોપીની વધુ માહિતી તેમજ ફોટો મેળવી કેટલીક વર્કઆઉટ કર્યા બાદ બાતમી વાળી જગ્યા પર રેડ કરી હતી.
બે આરોપી ઝડપાયા : આ સફળ રેડમાં રાહુલ 21 વર્ષીય ઉર્ફે કાલાનાથ ઉર્ફે ગબ્બર સત્યનારાયણ પાસવાન અને 30 વર્ષીય ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સ રામઉદ્દેશ રાય ઝડપાયા હતા. બંને આરોપીની ધરપકડ કરી તેમની પાસે ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે. પલસાણા પોલીસે આરોપીઓનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.
વેબ સિરીઝ જોઈને બનાવ્યો પ્લાન : બંને આરોપીઓએ લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઇમ વેબ સીરિઝ જોઈ હતી. બાદમાં તેના આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ વાળી જગ્યાએ તેમણે 6 મહિના સુધી સવાર સાંજ રેકી કરી અને બાદમાં ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલ તમામ મુદ્દામાલ તથા લૂંટમાં ઉપયોગ કરેલા હથિયારો સંતાડી દીધા હતા. બાદમાં તમામ આરોપી દેશના અલગ અલગ રાજ્યમાં રહેવા ચાલ્યા ગયા હતા. તેઓ એક જગ્યાએ પંદર દિવસથી વધુ રોકાણ કરતા ન હતા. ઉપરાંત બીજા વોન્ટેડ આરોપી સાથે સીમકાર્ડ વગર મોબાઇલ ફોનમાં ઝીંગી એપથી સંપર્કમાં રહેતા હતા.