બારડોલી: પલસાણા તાલુકાનાં અંભેટી ગામે ગત 24મી જાન્યુઆરી 2020ના રોજ 12 વર્ષીય બાળકીને ખેતરમાં લઈ જઇ બળાત્કાર કરનાર આરોપીને બારડોલી અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયે વીસ વર્ષની કેદની સજા ફટકારી હતી.
2020માં કર્યો હતો બળાત્કાર
ગત 24મી જાન્યુઆરી 2020ના રોજ પલસાણા તાલુકાના અંભેટી ગામે 12 વર્ષની કિશોરી બપોર બાદ ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી, જ્યાં સોનુ નામના યુવકે તેણીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું અને ભાગી ગયો હતો. તેણી ઘરે આવી તો એના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. માતાએ પૂછતાં પહેલા ઝાડ પરથી પડી ગઈ હોવાનું કહ્યું હતું. પણ જ્યારે તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા તો આખી હકીકત બહાર આવી હતી.
તબીબી તપાસમાં દુષ્કર્મ હોવાનું સામે આવ્યું હતું.
ડોકટરોએ મેડિકલ તપાસ કરતા પ્રાથમિક તબક્કે દુષ્કર્મ થયું હોવાનું જણાયું હતું. જેથી પલસાણા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી સાવન ઉર્ફે સોનું ઉર્ફે શ્રાવણ રમેશ કાથુડિયા (ઉ.વર્ષ 20) સામે પોકસો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
ત્યારબાદ આ કેસ બારડોલીની અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં ચાલી જતાં એ.પી.પી. નિલેષ એચ. પટેલની દલીલ સાંભળી તથા રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લઈ આરોપી સામેનો ગુનો પુરવાર થયેલ હોવાનું માની બારડોલીના આઠમા એડિશનલ સેશન્સ જજ એસ. એસ. સેઠીએ આરોપી સાવન ઉર્ફે સોનું ઉર્ફે શ્રાવણ રમેશભાઈ કાથુડિયાને વીસ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
સરકારી વકીલ નિલેશ પટેલે જણાવ્યું હતું કે રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ કરવામાં આવેલી દલીલ બાદ એડિશનલ સેશન્સ જજે આ ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની જેલની સજા કરવામાં આવી છે.