ગાંધીનગર : છેલ્લા લાંબા સમયથી ગાંધીનગર અને આસપાસના જિલ્લામાં માટી કામ માટે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લેતો ચીટર સક્રિય થયો છે. આ ચીટર ખેડૂતોના ટ્રેક્ટર ભાડે લેતો અને ખેડૂતોને ટ્રેક્ટરના સારા ભાડાની લાલચ આપતો હતો. આ ટ્રેક્ટર ભાડે લીધા બાદ થોડો સમય નિયમિત ભાડું આપતો હતો. બાદમાં ભાડું પણ આપતો બંધ થઈ જતો અને ખેડૂતનું ટ્રેક્ટર પડાવી લેતો હતો. બાદમાં આ ટ્રેક્ટરને અન્ય જિલ્લામાં સસ્તા ભાવે વેચી દેતો હતો.
ટ્રેક્ટર પડાવતો ચીટર : પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેક્ટર પડાવી લેવાના અનેક ગુના નોંધાયા હતા. છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણને ગાંધીનગર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જુના વડવાસા ગામનો રહેવાસી છે.
ભેજાબાજની મોડસ ઓપરેન્ડી : આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાંચ ગુનામાં 20 ટ્રેક્ટર અને એક ઇકો ગાડીની છેતરપિંડી આચરી હતી. ભીમસિંહ જુદાજુદા ગામમાં ફરતો અને પડતર સીઝનમાં ખેતી કરવાની ઈચ્છા ન ધરાવતા ખેડૂતોનો સંપર્ક કરતો. પછી તેમની પાસેથી ટ્રેક્ટર ભાડે લેતો અને બે-ત્રણ માસ સુધી ટ્રેક્ટરનું ભાડું નિયમિત ચૂકવતો હતો. ગામના અન્ય ખેડૂતો પણ વિશ્વાસમાં આવી જતા માટે કામ માટે ટ્રેક્ટરની જરૂરિયાત જણાવી ભાડે આપતા હતા. બાદમાં ભીમસિંહ મોબાઈલ સ્વીચ ઓફ કરીને આ ટ્રેક્ટરનો બારોબાર વેપલો કરી દેતો હતો.
20 ટ્રેક્ટર રિકવર કર્યા : આરોપીએ વર્ષ 2022 થી 2024 દરમિયાન જુદા જુદા ગામના ખેડૂતો પાસેથી 20 ટ્રેક્ટર અને એક ઇકો કાર પડાવી લીધી હતી. તેમની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુનાઓ દાખલ થયા છે. પોલીસે આરોપી પાસેથી 20 ટ્રેક્ટર અને એક ઇકો કાર સહિત કુલ 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ભીમસિંહની ધડપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.