કચ્છ: જીલ્લામાં છેલ્લાં પાંચેક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી કરીને વાતાવરણમાં ઉકળાટ જળવાયેલો રહયો છે. જીલ્લામાં સરેરાશ 34થી 35 ડિગ્રી જેટલો મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. લઘુતમ તાપમાન પણ સરેરાશ 27થી 29 ડિગ્રી નોંધાઇ રહ્યું છે. જીલ્લામાં આગામી સમયમાં પવનની ઝડપ વધુ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમની અસર હેઠળ રાજયની સાથે કચ્છમાં પણ ફરી એક વાર વરસાદી માહોલ જામી શકે છે તેવું હવામાન વિભાગની કચેરીમાંથી જાણવા મળ્યું છે.
10 વર્ષમાં સરેરાશ વરસાદમાં 25 ટકા જેટલો વધારો: જીલ્લામાં હજુ સુધી ચોમાસાની વર્તમાન સીઝનનો પહેલો સાર્વત્રિક વરસાદ પણ નોંધાયો નથી. ગત વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં 107 ટકા જેટલો વરસાદ વરસી ચુકયો હતો. જેની સામે અત્યાર સુધી માત્ર 34 ટકા જ વરસાદ નોંધાયો છે. આમ તો છેલ્લા 1 દાયકામાં વરસાદનું પ્રમાણ સારું રહેતા સરેરાશ વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે.જી.એસ.ડી.એમ. એમાંથી મળેલ માહિતી મુજબ કચ્છમાં 10 વર્ષના ગાળામાં સરેરાશ વરસાદમાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.
વર્ષ 2019થી 100 ટકાથી પણ વધુ વરસાદ: 10 વર્ષ અગાઉ 2015માં કચ્છનો સરેરાશ વરસાદ 387 મિલીમિટર હતો. જે વર્ષ 2024માં વધીને 485 મિલીમિટરે પહોંચ્યો છે. આમ 10 વર્ષમાં સરેરાશ વરસાદમાં 98 મિલીમિટર એટલે કે 4 ઈંચનો વધારો થયો છે. આમ તો કચ્છમાં વર્ષ 2019 થી જ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. આગામી સમયમાં કચ્છમાં ધોધમાર વરસાદ વરસે તો ખેડૂતો પણ વાવણી કરી શકે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તો લોકોને પણ અસહ્ય ઉકળાટમાંથી છુટકારો મળે.