સુરતઃ સુરતના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગિયા સામે દસ લાખની લાંચનો ગુનો દાખલ થયો હતો. જેને લઈને જીતેન્દ્ર કાછડીયા ફરાર હતા અને આ મામલામાં હવે જીતેન્દ્ર કાછડીયાની લાંચરુશવત વિરોધી બ્યૂરો દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર મામલે હવે એસીબીએ આગળ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ વસરામ સામે દસ લાખની લાંચ માગવાનો મામલો ગત 2-9-24એ સામે આવ્યો હતો. જે તે સમયે એસીબીએ વિપુલ વસરામ સુહાગીયાને ઝડપી પાડ્યા હતા. વિપુલ વસરામ સુહાગીયા વોર્ડ નં. 17ના કોર્પોરેટર હતા. બીજી બાજુ જીતુ કાછડીયા ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા વોર્ડ નં 16ના કોર્પોરેટર હતા. જીતુ કાછડિયા જાતે જ આજે સુરત ગ્રામ્ય એસીબી સામે હાજર થઈ ગયા હતા અને તેમની અટકાયત કરીને એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જોકે આ કેસમાં એવું પણ માનવામાં આવે છે કે, હજુ પણ અન્ય બે અધિકારીઓની આ મામલામાં સંડોવણી છે. જોવું રહ્યું કે એસીબી આ બંને અધિકારીઓ સુધી કેવી રીતે ગાળિયો કસે છે. સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આ કોર્પોરેટર્સ સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમની પાસે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને આપ્યા હતા.