કચ્છ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા , ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, કાર્યકારી પ્રમુખ કૈલાશ દાન ગઢવી, સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં 10 જેટલા લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. તો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા તાલુકા મુજબ યુવા કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપીને યુવા પ્રમુખ અને મંત્રીઓની નિયુક્તિ કરી હતી.
મિશન વિસ્તાર ત્રણ તબક્કામાં યોજાશે: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જેમાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. જેના ભાગરૂપે આજથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ,કાર્યકારી પ્રમુખ કૈલાશ દાન ગઢવીની ઉપસ્થિતિમાં કચ્છથી સતત એક મહિના સુધી મિશન વિસ્તાર ત્રણ તબક્કામાં યોજવામાં આવશે.
જેમાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ચૂંટણીઓની રણનીતિઓ, કાર્યકર્તાઓની સક્રિયતા, જવાબદારીઓ તેમજ જે કાર્યકર્તાઓ જવાબદારીથી મુક્ત છે તેમને વધારે જવાબદારીઓ કઈ રીતે આપી શકાય તેમ જ તેમના કાર્યના રિવ્યુ જેવા તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કઈ રીતે આગળ વધવું તે મુદ્દે પણ આ મિશન વિસ્તારમાં 33 એ 33 જિલ્લા અને આઠ જેટલી મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીને ટીમ જશે.
ડોક્ટરો અને વકીલો પણ જોડાયા: ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે કચ્છ એ કોંગ્રેસમુક્ત છે અને કચ્છમાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 6 વિધાનસભા બેઠકો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આમ આદમી પાર્ટી બુથ સ્તરે કઈ રીતે પોતાનું સંગઠન મજબૂત કરશે તે અંગે વાત કરતા ઈસુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, એ મિશન વિસ્તારની બેઠક છે તેમાં પણ શોર્ટ નોટીસમાં મોટી માત્રામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે. આમ આદમી પાર્ટી પાસે એવા કાર્યકર્તાઓ છે, જે માત્રને માત્ર દેશહિત માટે તેમજ પ્રજાના કામની રાજનીતિ માટે જોડાયા છે જેમને કોઈપણ જાતના પદની ઈચ્છા નથી કે કોઈપણ હોદ્દો મેળવવાની ઈચ્છા નથી. આપની પાર્ટીમાં સારા સારા ડોક્ટરો અને વકીલો પણ તેમજ આગેવાનો પણ જોડાયા છે.
ભ્રષ્ટાચારી સરકારની તાનાશાહીમાંથી મુક્ત કરવાનો ઉદ્દેશ્ય: આપની પાર્ટી સાથે લોકો એ માટે જોડાયા છે કે તેઓ ગુજરાતમાં જે ભાજપની ભ્રષ્ટાચારી સરકાર છે, તેની તાનાશાહીમાંથી પ્રજા મુક્ત થાય. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાનો એક જ ઉદેશ્ય છે કે ગુજરાતને બચાવવું છે. આપની પાર્ટીના એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હજાર કાર્યકર્તાઓ બરાબર છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા થાય છે તેમજ જે ડોક્ટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેમના દવાખાના પર હુમલા કરે છે. દવાખાના બંધ કરવાની વાત કરે છે, તેમજ અનેક રીતે ધમકીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળતી હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરતા નથી. ભાજપની સરકાર હવે માત્ર બે થી ત્રણ વર્ષ જ છે. ભાજપના સત્તાધીશો જ્યારે સત્તા બદલશે ત્યારે વિદેશમાં ન ભાગી જાય તે માટે પણ આમ આદમી પાર્ટી એ એરપોર્ટ પર વ્યવસ્થા કરવી પડશે.