નર્મદા: રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા છે. આ મુદ્દે તેમણે આજે કોલેજના વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવી હતી.
ત્યાર બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવી સંસ્થા સામે પગલાં ભરવા લેખિત રજૂઆત કરી હતી અને જો અઠવાડિયામાં કોઈ પગલાં ના ભરાયા તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી આપી હતી.
અમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી, સર્ટીફીકેટ નથી આપતા, સ્કોલરશીપ પણ આપતા નથી અમને ત્રણ વાર બેંગલોર પરીક્ષા આપવા લઈ ગયા પણ ત્યાંથી પાછા લાવ્યા અને અમારી સાથે છેતરપિંડી કરી છે. -વિદ્યાર્થિની
આપ ધારાસભ્ય વસાવાએ આ સંસ્થા સામે આક્ષેપો કરતા જણાવ્યું કે, રાજપીપળાની આ સંસ્થા પાસે NCRT કે UGCની માન્યતા પ્રાપ્ત નથી, તો પરીક્ષા અપાવી, ડિગ્રી આપે અથવા ફી પાછી આપે એવી માંગ કરી છે.
ચૈતર વસાવાએ એ પણ આરોપ લગાવ્યો છે કે, આ સંસ્થા 3 જિલ્લામાં સુરત, નવસારી, રાજપીપળામાં કોલેજ ચલાવે છે, ત્યારે આવી સંસ્થામાં કેટલાય વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે તપાસનો વિષય છે.