પાટણ : પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં આજે વધુ એક યુવકે કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી છે. જુવાનજોધ દીકરાએ આત્મહત્યા કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ છે. પાટણ નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓએ સરોવરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુસાઇડ પોઇન્ટ બન્યું સરોવર : પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સુસાઇડ પોઇન્ટ બન્યું છે. અવારનવાર જિંદગીથી કંટાળેલા લોકો આ સરોવરમાં ઝંપલાવી મોતને વહાલું કરે છે. આજે વધુ એક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં બગવાડા ખાતે રહેતા અને એકલવાયું જીવન ગુજરાત સુનિલ હીરાલાલ સોલંકી નામનો યુવાન ગત 18 ફેબ્રુઆરીના રોજ ઘરેથી નીકળી ગયો હતો. સાંજ સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી.
સિદ્ધિ સરોવરમાં મૃતદેહ : લાંબી શોધખોળ બાદ પણ યુવકની કોઈ ભાળ ન મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેઓએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે યુવક ગુમ થયો હોવાની નોંધ કરાવી હતી. આજે સવારે સિદ્ધિ સરોવરમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા આ અંગે પાટણ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
યુવાને કરી આત્મહત્યા : ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સિદ્ધિ સરોવર ખાતે દોડી આવ્યા અને તરવૈયાઓએ પાણીમાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આ મામલે નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન દીકરો ગુમાવતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.
સ્થાનિકોની માંગ : સિદ્ધિ સરોવરમાં અવારનવાર લોકો મોતને વહાલું કરે છે. સિદ્ધિ સરોવર ફરતે તારની વાડ અને ચોકીયાત મુકવા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હજુ પણ લોકો આ સરોવરમાં આવીને આત્મહત્યા કરી રહ્યા છે. નગરપાલિકાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- Patan Suicide Case : કોઇટા ગામની સીમમાં બહારથી આવેલા પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો
- Patan Suicide: પાટણના સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવનાર યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો