મોરબી: રાજ્ય અને દેશમાં આગથી બળીને મરી જતા લોકોની ઘટના જોવા મળે છે. ત્યારે મોરબી જિલ્લાના લીલાપર રોડ પર કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર ચાલક 39 વર્ષીય યુવાન કારની અંદર જ ફસાઈ જતા આગમાં ભડથું થઇ જતા કરુણ મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી છે.
કારમાં આગ લાગતા યુવકનું મોત: કારના દરવાજા લોક થયા બાદ મોરબીના લીલાપર રોડ પર રાધે પાર્ટી પ્લોટ પાસેથી કિયા કાર લઈને અજય નાનજીભાઈ ગોપાણી નામનો યુવાન પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર સવાર અંદર જ ફસાઈ ગયો હતો.
કારમાં આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની 2 ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું અને અજય ગોપાણી નામનો યુવાન આગમાં ભડથું થઇ જતા તેનું મોત થયું હતું.
યુવકનો સામાન પરિવારને સોંપાયો: ઘટનાને પગલે આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા. કારમાંથી મળી આવેલો સામાન પરિવારને સોપવામાં આવ્યો હતો. મૃતક પાસેથી રોકડ રૂપિયા તેમજ 2 ઘડિયાળ, 8 મોબાઈલ અને સોનાની વીંટી-દોરા સહિતની ચીજવસ્તુઓ મળી આવતા ફાયર ટીમે પરિવારને સોપી હતી. મૃતક પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. આગની ઘટનામાં યુવાનનું મોત થતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: