નવસારી: જિલ્લાના ખેરગામ તાલુકાના માનવ ખડક ગામે લબર મૂછીયા યુવાનોનો બાઈક સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો છે. જેમાં આ લબર મૂછીયાઓ બે રોકટોક બિન્દાસ બની બાઈક સ્ટંટ કરી રહ્યા છે. જેમાં એક યુવાને તો રોડ કિનારે ઉભા રહેલા વ્યક્તિ સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ બીજા યુવાને પણ બાઈક ઊંચી કરીને સ્ટંટ કરવા જતા તે અન્ય બાઇક ચાલક સાથે અથડાયો હતો જેને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો: ઘાયલ યુવાનને તાત્કાલિક બીજા યુવાનોએ સારવાર માટે મદદ કરી હતી. વાયરલ વીડિયોમાં સ્ટંટ બાજ યુવકનો પગમાં કેવી ઈજા થઈ છે તે જોઈ શકાય છે હાલ તો સ્ટંટ કરતા યુવાનો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. જોખમી સ્ટંટ કરતાં આવા યુવાનો માટે પોલીસ જલ્દીથી જલ્દીથી કાર્યવાહી કરે તેવી સમયની માંગ ઉઠી છે, જ્યારે જિલ્લામાં બાઇક સ્ટંટનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર મુદ્દે ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગામીત સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'માંડવ ખડક ગામનો સ્ટંટનો વાયરલ વિડીયો અમારી ધ્યાને આવ્યો છે, જેથી ખેરગામ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે.'