નવસારી: પૂર્વ અને પશ્ચિમથી જોડવા માટે થોડા સમય પહેલા નવો રેલવે ઓવરબ્રિજ નવસારીવાસીઓને માટે ખુલ્લો મુકાયો હતો. જેને કારણે લોકોને રેલ્વે ફાટક પર થતી ટ્રાફિકજામની સમસ્યાથી છૂટકારો મળ્યો હતો.પરંતુ આ રેલવે ઓવરબ્રિજ સોશિયલ મીડિયા પર રીલ અને સેલ્ફી મુકતા યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ બની ગયો હોય તેમ દિવસ અને રાત્રિના સમયે યુવાનો પોતાના જીવના જોખમે ઓવરબ્રિજની દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં 3 યુવાનોના કારનામા: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે 3 યુવાનો ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢીને મોબાઈલથી વિડીયો બનાવી રહ્યા છે. જોખમી રીતે બ્રિજની દિવાલ પર ઉભા રહી આ રીતે ફોટોગ્રાફી કરતી સમયે અકસ્માત પણ સર્જાઈ શકે છે. કારણ કે, સતત નીચે રેલવે લાઇન પરથી ટ્રેનો પસાર થતી હોય છે. જે આ યુવાનો માટે મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.
જોખમી સ્ટંટનો વીડિયો મોબાઇલમાં કેદ: આ સમગ્ર વિડિયો રેલવે ઓવરબ્રિજથી પસાર થતા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ અંગેનું આવેદનપત્ર UNHRC સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. જેમાં રેલ્વે ઓવરબ્રિજ ઉપર થતી આવી જોખમી પ્રવૃત્તિઓ લગામ લગાવવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા ક્લેક્ટરને આવેદન અપાયું: આ મામલે હજી સુધી તંત્ર કે પોલીસ દ્વારા આવા યુવાનો સામે પગલા ભરવામાં આવ્યા નથી. UNHRC ના સભ્ય વિરલ ગજ્જરના જણાવ્યા અનુસાર, અમે આ મામલે તંત્રને જાણ કરી છે. યુવાનો સોશિયલ મીડિયા પર સેલ્ફી અને રીલ મુકવા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આવા તત્વો પર લગામ લાગે તે માટે અમે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે.