સુરત:સુરત જિલ્લાની મધ્યસ્થ જેલ ચોર્યાસીના લાજપોર ગામે આવેલી છે. આ જેલને લાજપોર જેલ તરીકે ઓળખવામાં આવે છે. આ લાજપોર જેલમાં હાલ 3000 થી વધુ કેદીઓ છે. કેદીઓ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે તે માટે જેલ પ્રશાસન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેલમાં અલગ અલગ રોજગારીઓ પણ ઊભી કરવામાં આવી છે. ત્યારે લાજપોર જેલમાં એક રેડિયો સ્ટેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેનું સંચાલન બીજું કોઈ નહિ પરંતુ જેલમાં કોઈ ગુનામાં સજા કાપી રહેલ એક બંદીવાન જ કરી રહ્યો છે.
જેલના બંદીવાન રેડિયો ચલાવે છે: સુરતની લાજપોર જેલમાં રહેલા બંદીવાનો ગુનાહિત પ્રવુતિ છોડે તે માટે વિવિધ પ્રકારની પ્રવુતિઓ બંદીવાનોને અહીં કરાવવામાં આવે છે. આ ઉપરાંત રોજગારીની તાલીમ તેમજ શિક્ષણ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે દરમ્યાન લાજપોર જેલમાં એક રેડિયો સ્ટેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. રેડિયો સ્ટેશનની અંદર રેડિયો જોકી બીજું કોઈ નહીં પરંતુ સજા ભોગવી રહેલા બંદીવાન ચલાવે છે.
રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમ યોજાયા: રેડિયો સ્ટેશનમાં સવારની શરુઆત આરતી સાથે થાય છે. ત્યારબાદ દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે અને અખબારની હેડલાઈન શું છે તે બંદીવાનોને કહેવામાં આવે છે. દરેક તહેવાર અથવા તો ખાસ પ્રસંગ પર રેડિયો સ્ટેશન પરથી બંદીવાનોને અલગ-અલગ કાર્યક્રમો થકી તમામ વિગતો જણાવવામાં આવે છે, જેલની અંદર બેસીને સ્પીકરના માધ્યમથી બંદીવાનો રેડિયો સાંભળી શકે છે, મોટીવેશનલ લેક્ચર પણ રાખવામાં આવે છે. જેલમાં કોઈપણ કાર્યક્રમનું આયોજન કરાય તો તેની વિગતવાર માહિતી પણ આ રેડિયો સ્ટેશન થકી આપવામાં આવે છે.
રેડિયો સ્ટેશનની શરૂઆત વર્ષ 2017 માં કરાઈ: જેલની અંદર એવા ઘણા બંદીવાનો છે જેઓ કવિતા, શાયરી, ગીત અને સાહિત્ય પણ લખે છે, તે પણ રેડિયો સ્ટેશનના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે. જે કેદીઓ દ્વારા ગીતો, સાહિત્ય અને કવિતા લખવામાં આવે તો તેને રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી દ્વારા વાંચવામાં આવે છે. જેને જેલના તમામ કેદીઓ તેમને સાંભળે છે. તેમજ જેલ પ્રશાસનના પોલીસકર્મીઓ પણ રેડિયો જોકી સાથે બેસીને રેડિયો સ્ટેશન ચલાવે છે. રેડિયો સ્ટેશન હાઇટેક સુવિધાઓથી સજ્જ છે. સ્ટૂડિયો સાઉન્ડ પ્રૂફ હોવાથી સરળતાથી અહીં બેસીને તમામ રેડિયો પ્રોગ્રામ રેકોર્ડ કરી શકાય છે. આ રેડિયો સ્ટેશનની શરૂઆત વર્ષ 2017 માં કરવામાં આવી હતી.
સવારની શરૂઆત આરતીથી કરાય: લાજપોર જેલના સુપ્રિટેન્ડન્સ જશુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે રેડિયો પ્રીઝનની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. આ રેડિયો સ્ટેશન બંદીવાનો દ્વારા જ ઓપરેટ થાય છે. સમગ્ર જેલમાં તે સ્પીકરના માધ્યમથી કનેક્ટ હોય છે. સવારની શરૂઆત આરતી સાથે થાય છે. ત્યારબાદ ન્યુઝ પેપરની હેડલાઈન બંદીવાન દ્વારા વાંચવામાં આવે છે. અને કોઈ સ્પેશિયલ દિવસ હોય તો તેની પણ માહિતી રેડિયો થકી જ આપવામાં આવે છે. મોટીવેશનલ લેક્ચર પણ રાખવામાં આવે છે. રેડિયો સ્ટેશનમાં બંદીવાનો જ બધી પ્રવુતિઓ કરે છે.