વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક દંપતિ ટ્રેનની રાહ જોઇ રહ્યું હતું. તે સમય દમિયાન મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેઓ ચિંતાતુર થઈ ગયા હતા.પરંતુ રેલ્વે અધિકારીની નજર પડતાં રેલ્વે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનનો એક કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો. અને તેમાં મહિલાને લઇ જઈ 108 ઇમરજન્સી સેવાઓના કર્મી દ્વારા મહિલાની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.
રેલવે કોચમાં મહિલાની પ્રસૂતિ: વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોની ભારે ચહલ-પહલ વચ્ચે એક શ્રમજીવી દંપતી ભારે મુંજવણમાં આવી ગયું હતું. પતિ મુકેશ ભૂરા અને તેની પત્ની મંજુલાબેન તેમના વતન મધ્યપ્રદેશના મેઘનગર જવા માટે ટ્રેનની રાહ જોઇ રહ્યા હતા, તે સમય દરમિયાન સગર્ભા મંજુલાબેનને પ્રસવ પીડા ઉપડી હતી. જેને લઇને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.તેમજ રેલ્વેનો સ્ટાફ પણ તે સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર સ્થિતી પારખી જઇને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તેવામાં પ્લેટફોર્મ ઉપર, ઉભેલી વડોદરા-વલસાડ ઇન્ટરસીટી ટ્રેનના મુસાફરોથી ભરેલો એક કોચ ખાલી કરાવવામાં આવ્યો હતો. બાદમાં મંજુલાબેનને તેમાં લઇ જવામાં આવ્યા હતા. સાથે જ 108 ની ટીમના કર્મીઓ પણ હાજર રહીને નોમૅલ ડિલિવરી કરાવી હતી. ઉપસ્થિત સૌ લોકો 108ની અને રેલ્વે સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
રેલ્વે કોચ કિલકિલાટથી ગુંજી ઉઠ્યું: ટ્રેનના કોચમાં મંજુલાબેનની સફળ નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી હતી. મંજુલાબેનના ખોળે લક્ષ્મીને જન્મ આપ્યો હતો. બાળકની પહેલી કિલકારી રેલ્વેના કોચમાં ગુંજી ઉઠી હતી. બાદમાં માતા-દિકરીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, વડોદરા રેલ્વે તંત્ર અને 108 કર્મીઓના સંયુક્ત પ્રયાસથી ટ્રેનના કોચમાં મહિલાની સફળતા પૂર્વક ડિલીવરી થઇ હતી. ઘટના જોનારા-જાણનારા તમામ રેલ્વે અને 108 ના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.