છોટા ઉદેપુરઃ ફળોનો રાજા કેરીની નવી જાત 'આણંદ રસરાજ (ગુજરાત કેરી 1)'નવા સ્વાદ, નવી વિશિષ્ટતા સાથે છોટા ઉદેપુર જિલ્લાના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવી છે. આ કેરીની નવી જાત ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે.
'આણંદ રસરાજ' કેરીના ગુણોઃ આ નવી જાતની કેરીમાં લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે. આ આંબાની નવી જાત 'આણંદ રસરાજ' બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. તદુપરાંત, આ જાતને કાપીને તથા રસ બનાવીને બન્ને રીતે આરોગી શકાય છે. દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જય છે. 'આણંદ રસરાજ'જાતની બીજી અગત્યની વિશેષતા એ છે કે તે નિયમિત ફળ આપે છે.
22 વર્ષથી સંશોધનઃ ગુજરાતમાં લગભગ 22 વર્ષના લાંબા સંશોધન સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવવામાં આવી છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે કાર્યરત ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ બી. મોર અને આકૃયુના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં ખેડૂતો ની સૌથી વધુ લોકપ્રિય જાતો જેવી કે કેસર અને લંગડાની ખેતી કરે છે.
વર્ષ 2000માં કેરીની જાત સોનપરીઃ છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો, ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતેથી વર્ષ ૨૦૦૦માં બહાર પાડવામાં આવેલી સોનપરી વેરાયટીની સારી એવી માંગ રહે છે. આજકાલ ગ્રાહકોની પસંદગી મોટાભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા પર આધારિત છે. લંગડો ખૂબ જ સારી જાત હોવા છતાં, તે પાક્યા પછી લાંબા સમય સુધી ટકી શકતી નથી જ્યારે કેસર તેની ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદને કારણે સ્થાનિક તેમજ વિદેશના બજારમાં ખૂબ જ સારી માંગ ધરાવે છે. જે લંગડા અને દશેહરી જેનો જાતોમાં જાતોમાં અભાવ જોવા મળે છે.
'આણંદ રસરાજ'ની લાક્ષણિકતાઃ જબુગામ ખાતે 'આણંદ રસરાજ' આંબાની આ જાત સાતથી નવમા વર્ષે પ્રતિ હેકટરે 11.49 ટન જેટલું ફળનું ઉત્પાદન આપે છે જે અન્ય જાતો લંગડો, દશેહરી, કેસર, સોનપરી, સિંધુ અને મલ્લિકા કરતા અનુક્રમે 29.86, 44.95, 30.45, 31.35, 77.16 અને 27.84 ટકા વધારે છે. આ જાતના ફળ મધ્યમથી લાંબા, વચ્ચેથી ગોળ, લીસા તથા પાકે ત્યારે ઉપરથી પીળા રંગની છાલ ધરાવતા અને માવો મધ્યમ પીળા રંગનો હોય છે. આ જાતમાં ફળનું વજન (268.2 ગ્રામ), માવાનું વજનપ્રતિ ફળ (210 ગ્રામ), છાલનું વજન પ્રતિ ફળ (28.80 ગ્રામ), માવા:ગોટલાનો રેશીયો (7.15) અને માવા:છાલનો રેશીયો (7.28) અન્ય જાતો કેસર અને લંગડા કરતા વધારે અને સોનપરી જેટલો હોય છે.
છોટા ઉદેપુરના જબુગામના કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક વિનોદ મોર જણાવે છે કે, આ જાતમાં ફળમાખીથી થતું નુકસાન અંકુશ જાતો કરતા પ્રમાણમાં ઓછું જોવા મળેલ છે. આ નવી જાતને યુનિવર્સિટીની તમામ સંશોધન સમિતિઓ તેમજ રાજ્યની બીજ સમિતિ દ્વારા મંજૂરી મળી ગયેલ હોઈ હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો તેમજ નર્સરી ઉત્પાદકોની માંગ તથા આગામી વર્ષોને અનુલક્ષીને કલમી છોડના ઉત્પાદન પર કામ કરી રહી છે.