વાપી: વાપી નેશનલ હાઇવે 48 પર મસમોટા ખાડા પડયા છે. જે અકસ્માતોને નોતરી રહ્યા છે. સાથે જ વાહનોમાં ખૂબ જ મોટું નુકસાન કરાવી રહ્યા છે. જે અંગે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાને અનેક રજૂઆતો બાદ પણ કોઈ પરિણામ નહિ આવતા હવે, વાપીના એક નાગરિકે 48 કલાકના ઉપવાસ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે બન્યો ખાડામાર્ગ: વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બલિઠા ખાતે આવેલ બ્રહ્મદેવ મંદિરમાં બેસેલા આ ભાઈનું નામ છે જયદીપ રમેશચંદ્ર દલસાણીયા. જે વાપીના ગોકુલ વિહાર ટાઉનશીપના રહેવાસી છે. આ ટાઉનશીપ મુંબઈ અમદાવાદના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ છે. આ એ જ હાઇવે છે. જે હાલના ચોમાસા દરમ્યાન ખાડામાર્ગ બની ગયો છે. હાઇવે પર પડેલા આ મસમોટા ખાડાઓની મરામત માટે જયદીપભાઈ 5મી ઓક્ટોબરથી એટલે કે આજથી 48 કલાક માટે અન્ન-જળનો ત્યાગ અને મૌન વ્રત ધારણ કરી ધ્યાન-પારાયણ સાથે ઉપવાસ પર બેઠા છે.
48 કલાક અન્ન-જળનો ત્યાગ: આ અનોખા ઉપવાસ આંદોલન પર બેસેલા જયદીપ દલસાણીયાએ વલસાડ કલેકટરને એક પત્ર લખી જણાવ્યું હતું કે, રોડ-રસ્તાના ખાડા અને તેના લીધે નાગરિકોને ભોગવવી પડતી હાલાકી અંગે અધિકારીઓની ચેતના જાગૃત કરવા માટે 48 (અડતાલીસ) કલાક અન્ન-જળ વગર મૌન વ્રત રાખી ધ્યાન-પારાયણ કરશે.
![48 કલાકના ઉપવાસ પર ઉતરેલા જયદીપ રમેશચંદ્ર દલસાણીયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2024/gj-dmn-01-bismar-road-upavas-video-gj10020_05102024181246_0510f_1728132166_1017.jpg)
બે દિવસના ઉપવાસ પર બેઠા: જે અરજી અન્વયે તેઓ હાલ બ્રહ્મદેવ મંદિર, બલીઠા, વાપી ખાતે 5મી ઓક્ટોબર શનિવારે બપોરના 12 વાગ્યાથી ઉપવાસ પર બેસી ગયા છે. જે 7મી સપ્ટેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી ઉપવાસ કરશે. તેમણે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, વાપી અને વાપીની આજુબાજુના ખાસ કરીને ને.હા.નં. 48 તથા સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ છે. જેના લીધે જનતા હેરાન-પરેશાન થાય છે. જનતા દ્વારા ટોલ ટેકસ અને અન્ય કરવેરા ભર્યા પછી પણ આટલી હદ સુધી ખરાબ રોડ-રસ્તાનો ભોગ બનવું પડે છે.
![નેશનલ હાઇવે 48 પર ઠેક ઠેકાણે ખાડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2024/gj-dmn-01-bismar-road-upavas-video-gj10020_05102024181246_0510f_1728132166_848.jpg)
ખરાબ રસ્તા જીવનું જોખમ બની ગયા છે: વાહનચાલકોએ સીટી બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેર્યુ હોય, પી.યુ.સી. ન હોય તો સરકારના અલગ-અલગ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના દંડ ઉઘરાવવામાં આવે છે. ત્યારે ખરાબ રસ્તાના કારણે નાગરિકોને અકસ્માત થાય તો કેમ દંડ નથી લેતા એ પણ જીવનું જોખમ છે. એટલે અરજદારની વિનંતી છે કે ખરાબ રસ્તા ઉપર વાહન ચલાવતા નાગરિકો પાસેથી પણ દંડ લેવો જોઈએ. હજારો વર્ષોની ગુલામીની માનસિકતા હજુ લોકોમાં છે અને અન્યાય તથા અત્યાચાર સહન કરવો એજ સારા નાગરિકની ઓળખ બની ગઈ છે.
![બલિઠા ખાતે આવેલ બ્રહ્મદેવ મંદિરમાં જયદીપ રમેશચંદ્ર દલસાણીયાના ઉપવાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2024/gj-dmn-01-bismar-road-upavas-video-gj10020_05102024181246_0510f_1728132166_808.jpg)
આ બધુ સહન થતું નથી એટલે હવે 48 કલાક એટલે કે 2 દિવસ માટે અન્ન-જળ ત્યાગી મૌન રહી ધ્યાન-ભજન કરવાનો સંકલ્પ લઈ તેની અમલવારી પર બેસી ગયા છે. અધિકારીઓની ચેતના જાગૃત થાય અને વહેલી તકે રોડ-રસ્તાનું સમારકામ થાય તેવી વિનંતી નાગરિકે વહીવટીતંત્રને કરી છે.
![નેશનલ હાઇવે 48ની દયનીય હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-10-2024/gj-dmn-01-bismar-road-upavas-video-gj10020_05102024181246_0510f_1728132166_1008.jpg)
ઉલ્લેખનીય છે કે, આવા અનોખા વિરોધ પ્રદર્શન સાથે ઉપવાસ પર ઉતરેલા આ ભાઈએ લખેલ અરજીથી ખરા અર્થમાં તે હાઇવે ઓથોરિટીથી ખફા છે કે, હાઇવે પર વાહનો ચલાવી અકસ્માત નોતરતા વાહનચાલકોથી તે અંગે અરજીમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.
આ પણ વાંચો: