તાપી: તાપી જિલ્લામાં એક ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક મજુરનું મોત નીપજ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ ત્રણ યોજના અંતર્ગત 18 મીટર ઊંચી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું.જે ટાંકી વિનોદ પટેલ નામની મેહસાણાની એજન્સી કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
![તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-05-2024/gj-tapi-rural-01-tank-collapses-photo-video-byte-10082_14052024221618_1405f_1715705178_576.jpg)
ટાંકીનો બોટમ સ્લેબ ધરાશાઈ: આ ટાંકીનું કામ ચાલુ હતું તે દરમ્યાન અચાનક બોટમ સ્લેબ ધરાશાઈ થઈ ગયો હતો. જેમાં મહારાષ્ટ્રના અનિલભાઈ હનજી ભાઈ ગાવિત નામના મજુરનું મોત નીપજ્યું છે. જ્યારે અમિતભાઈ અનિલભાઈ ગાવીત , સુનિલભાઈ ટાકલિયા ભાઈ ગામીત અને મલંગદેવ ગામના કિશનભાઇ સેદિયાભાઈ ગામીત નામના શ્રમિકો ઘાયલ થતાં તેમને વ્યારા,સોનગઢ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
![ટાંકીનો સ્લેબ ધરાશાઈ થતાં એક શ્રમિકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-05-2024/gj-tapi-rural-01-tank-collapses-photo-video-byte-10082_14052024221618_1405f_1715705178_319.jpg)
1 શ્રમિકનું મોત: પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાઈ થવાના પ્રકરણમાં ગામના સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો, જ્યારે સ્થાનિક નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડો જયરામ ગામીત પણ હોસ્પિટલ ખાતે ઘાયલ મજૂરોની ખબર અંતર પુછવા પોહચ્યાં હતા અને તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ તપાસ ટીમ કરશે ત્યાર બાદ કોની બેદરકારી હતી એ બહાર આવશે.
![તાપીના ગોલણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાઈ થવાની ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-05-2024/gj-tapi-rural-01-tank-collapses-photo-video-byte-10082_14052024221618_1405f_1715705178_274.jpg)
આ મામલે સ્થાનિક ગોવા ગામના સરપંચ ગૂલજી ગામીતે જણાવ્યું હતું કે, પાણી પુરવઠા દ્વારા અમારા ગામમાં પાણીની ટાંકી બનતી હતી તેમાં હલકી કક્ષાનું મટીરીયલ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે આ ઘટના બની છે, જેમા બે જણા ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. છેલ્લા ત્રણ માસથી આ ટાંકી બની રહી હતી આ બનાવમાં કોન્ટ્રાક્ટરે વિરૂદ્ધ સખત કાર્યવાહી તેવી જોઈએ અને મૃત્યું પામનારાના પરિવારજનોને વળતર આપવું જોઈએ.