સુરત: શહેરમાં બાળકીઓ અને કિશોરીઓ સાથે ગેરવર્તૂણકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ ઉધના વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી સાથે અડપલા કરનાર સાપ્તાહિકનો કથિત પત્રકાર ઝડપાયો છે. પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી કોર્ટે આરોપીને જ્યુડિશયલ કસ્ટડી અંતર્ગત જેલ ભેગો કર્યો છે.
છેડતી અને પોક્સો કલમ હેઠળ ગુનો: ઉધનામાં સાપ્તાહિક અખબાર ચાલવતા પત્રકારે 15 વર્ષની કિશોરી સાથે અડપલાં કર્યા હતાં. સંબંધ નહિ બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી કિશોરી ઘરે દોડીને આવી અને પિતાને ગંદી હરકતોની જાણ કરી હતી. પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય અશોક સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આરોપીને ઝડપી લેવામાં આવ્યો: સુરત ઝોન -4 ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં એક સગીરા સાથે છેડતીની ઘટના બની હતી.જેની ફરિયાદ સ્થાનિક પોલીસને મળતાં પોલીસ દ્વારા છેડતી અને પોકસો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.