વડોદરા: ઘુવીરસિંહ ઉર્ફે રઘુ વિજયસિંહ ચૌહાણ ( ઉં.વ. 23) જરોદ ગામ પાસે આવેલા હાંસાપુરા ગામમાં રહે છે. તેના લગ્ન અઢી માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે હિન્દુ સંપ્રદાય મુજબ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ધામધૂમ પૂર્વક થયા હતાં. અઢી માસના લગ્નજીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી, જેના કારણે નવદંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે વારંવાર મતભેદો ઉભા થવા લાગ્યા હતા.
પ્રેમ સંબંધમાં પત્નીને મોતને ઘાટ ઉતારી: મધ્ય રાત્રિના સુમારે રઘુ અને સ્નેહા વચ્ચે તેના પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં રઘુ વધુ આક્રોશમાં આવી ગયો હતો. પતિ રઘુએ આક્રોશમાં આવી પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકુનો ઘા કરી સ્થળ ઉપર જ લોહીલુહાણ કરી નાખી હતી. પત્ની સ્નેહા લોહીનાં ખાબોચિયાંમાં તરફડિયાં મારતી મોતને ભેટી હતી.
પ્રેમસંબંધમાં અંધાપાએ પત્નીનો ભોગ લીધો: જાણવા મળતી માહિતી મુજબ, અઢી માસના સંસારિક જીવન દરમિયાન સ્નેહાને પતિના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધની જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવા માટે જણાવ્યું હતું. પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધ ભૂલી જવા માટે ખાતરી આપી હતી, પરંતુ પ્રેમમાં અંધ બનેલા પતિ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધને ભૂલ્યો ન હતો. તે અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો હતો અને મળતો હતો. એના કારણે સ્નેહાએ વિરોધ ચાલુ રાખ્યો હતો.
પરિવારજનોનું હૈયાફાટ રુદન - ફળિયામાં લોકટોળા ઉમટી પડ્યા: બીજી બાજુ આ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતાં જરોદ પોલીસ મથકના પી.આઇ. જે. એ. બારોટ સ્ટાફ સાથે દોડી ગયા હતા. એ સાથે ડીવાયએસપી આકાશ પટેલ તેમજ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. જરોદ પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. એ સાથે આ બનાવવાની જાણ મોતને ઘાટ ઉતારાયેલી સ્નેહાનાં પરિવારજનોને કરાતાં તેનાં માતા-પિતા સહિત પરિવારજનો પણ સવાર સુધીમાં હાંસાપુરા ગામે દોડી આવ્યાં હતા. સ્નેહાનો મૃતદેહ જોઈ તેનાં માતા-પિતા સહિત પરિવારજનો ભારે આક્રંદ કરતાં સન્નાટો છવાઈ ગયો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરી: સમગ્ર ધટનાની જાણ જરોદ પોલીસને થતા પોલીસ મથકના પી.આઈ. જે. એ. બારોટે જણાવ્યું હતું કે, પત્નીની હત્યા કરનાર પતિ રઘુવીર સિંહ ઉર્ફે રઘુ ચૌહાણની અટકાયત કરી લેવામાં આવી છે. અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.