મહીસાગર: બાલાસિનોરમાં રામજીમંદિર ખાતેથી 150 વર્ષથી પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા નીકળે છે. આ દિવસે સુંદરકાંડ અને દીપોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત રામમંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે તેમજ ઘરે ઘરે દીપ પ્રાગટય, હનુમાન ચાલીસા, સમૂહ આરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. રથયાત્રાના દિવસે બપોર બાદ ભવ્ય ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા યોજાય છે.
200 વર્ષ જૂના રામજી મંદિરમાં રામલલા બિરાજમાન: રથયાત્રા નિમિત્તે બાલાસિનોરમાં રામજીમંદિર ખાતેથી સવારે પ્રભાત ફેરી, રામ ધૂન અને હનુમાન ચાલીસા જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારે બાલાસિનોર રામજી મંદિરને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવામાં આવી છે એવી જ રીતે બાલાસિનોરના રામજી મંદિરમાં 200 વર્ષ જૂના શ્યામવર્ણ સ્વરુપે રામલલા બિરાજમાન છે. રામજી મંદિરથી ખાતે 12:20 કલાકે મહા આરતી, બપોરે 1 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામજી મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરશે. સાંજના સમયે દીપોત્સવ અને ભવ્ય આતશબાજી, આ ઉપરાંત મહાઆરતી, અને સાંજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ શેરીઓ અને સોસાયટીમાં ભક્તો દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. સાથે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામચંદ્રવાડી ખાતે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.
વર્ષોથી રથયાત્રાનું સુંદર આયોજન: મંદિરના ટ્રસ્ટી સંજય ભટ્ટના જણાવ્યા મુજબ બાલાસિનોરનું આ રામજી મંદિર 200 વર્ષ જૂનું મંદિર છે અને ત્યાં વર્ષોથી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે અને ચાલુ વર્ષે પણ રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની પ્રદક્ષિણા ગામમાં ફેરવવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી ભક્તોની ભીડ જામે છે અને સાથે ભજન મંડળીઓ અને આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. 8 વાગ્યે આરતી થાય છે. ત્યારબાદ 12 વાગ્યાના સુમારે ભગવાનની આરતી ફરી કરવામાં આવે છે અને રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં રથયાત્રા પરંપરાગત રીતે વાજતે ગાજતે ભગવાનને નગરચર્ચા કરવા માટે લઈ જવામાં આવે છે.
રથયાત્રાના વિસામાની જગ્યાએ પ્રસાદીનું આયોજન: ભક્તોની ભીડ સાથે ધીમે ધીમે બજારમાંથી ફરતી ફરતી ભક્તો સાથે ભગવાનની આ યાત્રા વિસામા માટે વાડિયાના મહાદેવ બસ સ્ટેશન પાસે વિસામો લે છે. તેમજ ત્યાં જ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. સૌ ભેગા મળીને પ્રસાદી લઈએ છીએ સાંજે અને બપોરના ટાઈમમાં ભજન અને કિર્તનનું આયોજન કરવામાં આવે છે. સાંજે પરત ફરતા સાંજે ભગવાનને પાછા લઈ અને રથયાત્રા પાછી ગામમાં પ્રવેશે છે. અને બરાબર 6:30 થી 7:00 વાગે પુનઃ મંદિરમાં આવી ભગવાન મંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. આમ આખો દિવસ ભગવાનની જ ચર્ચા કરવા માટે નગરમાં નીકળે છે. સૌના સુખ-દુઃખ સાંભળે છે અને આવી એક લોકમાન્યતા છે.
રથયાત્રામાં 5 હજાર લોકો જોડાય છે: શ્રધ્ધાળું હર્ષાબેન ત્રિવેદી જણાવે છે કે, તારીખ 07 જુલાઇ 2024 ના રોજ રથયાત્રા પર્વ નિમિત્તે બાલાસિનોરમાં પણ રામજીમંદિરેથી 150 વર્ષથી રથયાત્રા નીકળે છે. હું પણ રામજીમંદિરના ફળિયામાં જ રહું છું. મારા બાપ દાદા પરદાદાના સમયથી આ રથયાત્રાનો ઉત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય છે. આ ચાલુ વર્ષે પણ ઉજવવાનો છે અને તેમાં આ રથયાત્રા રામજી મંદિરથી નીકળી નગરના વિવિધ વિસ્તારોમાં ફરતી ફરતી અને રામેશ્વર મંદિરે પહોંચે છે. સાંજે 5:00 વાગ્યે આ રથયાત્રા પર પ્રયાણ કરે છે અને એ રીતે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી રામજીમંદિર તરફ આવે છે. રથયાત્રામાં લગભગ પાંચેક હજાર જેટલી વસ્તી હોય છે જે દરેક હૃદય પૂર્વકની ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવમાં ભાગ લે છે. આનું આયોજન રામજી મંદિરના ટ્રસ્ટી તરફથી ખૂબ સારી રીતે કરવામાં આવે છે. નગરના વિવિધ વિસ્તારોમાં પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે.