કચ્છ: જિલ્લા સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે લોકો પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરીને પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને લોકો દ્વારા પંડાલ બનાવીને ગણેશજીની પ્રતિમા સ્થાપીને પૂજા પાઠ કરે છે. ત્યારે કચ્છમાં વિશાળ 15 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સતત 24માં વર્ષે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે. અહીં ગણેશોત્સવ દરમિયાન વરસાદ પડે તો પણ પંડાલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન: ભુજના ટિન સિટી ગ્રાઉન્ડ ખાતે 15 ફૂટ ઊંચી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ સમગ્ર કચ્છમાં સૌથી વિશાળ ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ છે. આમ તો માટે ક્ચ્છ નહીં, પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ભુજમાં સ્થાપિત કરવામાં આવી છે.
ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા 24 વર્ષથી આયોજન: ફ્રેન્ડ્સ ગૃપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સતત 24મા વર્ષે ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની 15 ફૂટ ઊંચી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીમાંથી બનાવવામાં આવી છે. ત્યારે મૂર્તિ માટે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે મૂર્તિમાં પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે ઈકો ફ્રેન્ડલી અને વેજિટેબલ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બાપાને 51 કિલોના મોદકનો ભોગ: ઉલ્લેખનીય છે કે, આજે 51 કિલોના મોદકનો ભોગ પણ ગણપતિને ધરાવવામાં આવ્યું હતું. દર વર્ષે ભુજમાં બિરાજતા ફ્રેન્ડ્સ ગ્રુપના ગણેશજીના દર્શન કરવા માટે ભક્તો ભુજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ પંડાલમાં અંદાજીત 7,000થી 8000 જેટલા ભાવિ ભક્તોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
મહાઆરતી સહિત બીજા કાર્યક્રમનું આયોજન: 9 દિવસીય ગણેશોત્સવમાં દરરોજ મહાઆરતી ઉપરાંત અહીં રાસ ગરબા, ડાન્સ કોમ્પિટિશન, ડાયરો, મ્યુઝિકલ હાઉઝી, શ્રી ગણપતિ મહાપૂજા અને સામૂહિક અર્થવશીર્ષ પાઠ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય સામાજિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: