રાજકોટ: પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે નંબર 27 પર ધોરાજીના ભાદર-2 ડેમ પછીના આવતા પ્રથમ ભાદરના પુલ પરથી પિતાએ પુત્ર સાથે પાણીમાં જમ્પ લગાવી મોડી રાત્રે આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી હતી. જેમાં આ ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર ભાદર નદીના પુલ પર દોડી આવ્યા હતા અને પિતા પુત્રની શોધ ખોળ હાથ ધરી હતી.
પરંતુ રાત્રીના અંધકારમાં પિતા-પુત્રની શોધખોળ શક્ય ન હતી. તેથી વધુ શોધખોળ માટે અન્ય તંત્રની મદદથી મૃતદેહને શોધી કાઢવા માટેની વહેલી સવારથી શોધખોળ માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં બપોરના સમયે શોધખોળ દરમિયાન પિતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
જાણો સમગ્ર ઘટના: આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢથી સંતાનો સાથે એક રીક્ષા ચાલક ધોરાજી ખાતે ફરવા આવ્યો હતો. જેમાં માસુમ પુત્રી અને પુત્રને લઈ ભાદર નદીએ પહોંચ્યો હતો અને પુત્રીની નજર સામે જ પિતા અને પુત્રએ ભાદર નદીમાં જંપ લગાવી દીધો હતો. જેમાં ભાઈ અને પિતાએ નદીમાં ડુબકી લગાવી હોવાની જાણ પુત્રીએ તેમના મામાને કરતા પરિવારજન ધોરાજી ખાતે દોડી આવ્યો હતો.
આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરતા એક બાદ એક બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ પુત્રીએ તેના મામાને કરી: આ બનાવવામાં એવી પણ વિગતો સામે આવી છે, જેમાં જુનાગઢના દાતાર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હિરેન જયસ્વાલ તેમજ તેનો નવ વર્ષના પુત્ર રીયાંશ અને પુત્રી સાથે જુનાગઢથી ધોરાજી ખાતે ફરવા આવ્યા હતા. જેમાં મોડી રાત્રે ત્રણે જૂનાગઢ તરફ જવાના હતા ત્યારે હિરેને પોતાના ભત્રીજાને ફોન કરી વરસાદ હોવાની માહિતી આપી હતી, અને તેને તેડી જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ થોડીવારમાં જ હિરેનની માસુમ પુત્રીએ પોતાના મામાને આ અંગે ફોન કરી પિતા અને ભાઈએ પુલ પરથી નદીની અંદર જમ્પ મારી લીધો છે અને પુત્રી એકલી ઉભી છે તેવી વાત કરી હતી જેથી બાળકીના મામા અને તેમનો પરિવાર સહિત ધોરાજી ખાતે બનાવ સ્થળ પર દોડી આવ્યા હતા.
આ બનાવ અંગે ફાયર વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હિરેનના કૌટુંબિક સસરા કિરીટભાઈ જયસ્વાલ દ્વારા જણાવ્યું હતું કે મૃતક હિરેનની પત્ની મજૂરી કામ કરે છે જ્યારે હિરેન રિક્ષા ચલાવી ગુજરાત ચલાવે છે. જેમાં બનાવના દિવસે હિરેન તેમના સંતાનોને લઈને ધોરાજી જવા માટે નીકળ્યો હતો. જ્યાં સાંજે તેમને વરસાદ આવતો હતો ત્યારે પુત્રીના મામાને તેડી જવા માટે ફોન કર્યો હતો અને આ ફોન કર્યા બાદ થોડો સમય બાદ પુત્રીની નજર સામે પિતા-પુત્રએ નદિમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ દિકરીએ તેના મામાને કરતા પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. ત્યારે હિરેન દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યુ છે તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતીઓ સામે આવી નથી. પરંતુ આ મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઊંડાણપૂર્વક તપાસના ધબધબાટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
પોલીસ અને ફાયર વિભાગ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો: રાજકોટ જીલ્લાના ધોરાજી-ઉપલેટા રોડ પર અને ભાદર નદીમા ઝંપલાવી પીતા પુત્રએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. એલ.આર.ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે, મૂળ કોડીનારના છાછરા ગામના વતની અને છેલ્લા 5 વર્ષથી જૂનાગઢમાં ભવનાથ રોડ પર રહેતા 40 વર્ષીય હિરેનભાઈ જયશ્વાલ અને તેઓના 09 વર્ષીય પુત્ર રિયાંશ જયશ્વાલ દ્વારા રાત્રીના ધોરાજી-ઉપલેટા રોડ પર ભાદર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટના બાદ સવારે 11 વાગ્યા આસપાસ બન્નેના મૃતદેહ મળી આવ્યા છે જેને પોસમોર્ટમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પરિવારજનો પણ આત્મહત્યાના બનાવ અંગે કોઈ કારણ જાણતા ન હોવાથી ધોરાજી તાલુકા પોલીસે હાલ મૃતદેહનું પી.એમ. કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.