અમરેલી: સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી વળી રહ્યા છે. બાગાયત ખેતીમાં ખેડૂતોને સારી એવી આવક પણ મળી રહી છે. બાગાયત પાક માં મિશ્ર ખેતી કરીને ખેડૂતોનું આર્થિક જીવન ધોરણ સુધર્યુ છે.
આવા જ એક અમરેલી પંથકના પ્રગતિશીલ એક ખેડૂત એટલે ગોકળભાઈ અસલાલીયા. પ્રગતિશીલ ખેડૂતોમાં સ્થાન ધરાવતા ગોકળભાઈએ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકમાં સારૂ ઉત્પાદન મેળવ્યું હોવાની સાથે-સાથે સારૂં એવું આર્થિક ઉપાર્જન પણ મેળવી રહ્યાં છે.
10 વિઘામાં સીતાફળનું વાવેતર: 53 વર્ષના ગોકળભાઈએે 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, ચમારડી ગામના પીપળીયા રોડ પર તેમની વાડી આવેલી છે અને તેમની પાસે 30 વીઘા જમીન છે. આ જમીનમાં હાલ બાગાયત સાથે મિશ્ર પાકનું વાવેતર કરવામાં આવે છે. હાલમાં તેમણે 10 વિઘામાં લાલ સીતાફળનો પાક લીધો છે.
3 જાતના સીતાફળની વેરાયટી: ગોકળભાઈએ પોતાની વાડીમાં 10 વિઘામાં સીતાફળનું વાવેતર કર્યુ છે, તેમણે 1200 જેટલાં સીતાફળના છોડનો ઉછેર કર્યો છે જેમાંથી 3 જાતના સીતાફળની વેરાયટી છે, જેમાં બાલનગર ,સુપર ગોલ્ડન અને લાલ વેરાયટી મુખ્ય છે.
લાલ સીતાફળની ખાસીયત: હાલ પાકની ઉંમર 6 વર્ષ છે. જોકે, તમામ સીતાફળોમાંથી લાલ સીતાફળની વધારે માગ છે. લાલ સીતાફળની ક્વોલિટી ખુબજ સારી છે અને તેની મીઠાશ પણ વધારે હોય છે. બીજું એ કે, સીતાફળમાં બીજનું પ્રમાણ પણ ખુબજ ઓછું છે અને છાલનું આવરણ પણ ખુબજ પાતળું હોયછે.આ ઉપરાંત આ લાલ સીતાફળનું પલ્પ ખુબજ વધારે હોય છે અને દેખાવમાં પણ વધારે આકર્ષક હોય છે તેથી લોકો પણ તે ખાવાનું અને ખરીદવાનું વધારે પસંદ કરે છે.
વર્ષે 6 લાખ સુધીની આવક: ગોકળભાઈએ જણાવ્યું હતું કે 10 વિઘામાં અંદાજીત 6 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે, જો ખર્ચની વાત કરીએ તો એક વીઘામાં દવા,ખાતર તેમજ અન્ય ખર્ચ મળીને કુલ 15 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે અને 10 વિઘામાં 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
લાલ સીતાફળની માંગ: જોકે, તેમની વાડીમાંથી ઉત્પાદીત થયેલા સીતાફળને સુરત ,અમદાવાદ, રાજકોટ, ગોંડલ જેવા વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે, ઘણા લોકોતો ગોકળભાઈના ઘરે આવીને સીતાફળની ખરીદી કરી જાય છે, એટલું જ નહીં ઘણાં લોકો ફેમેલી ડોક્ટરની જેમ ફેમેલી ફાર્મ ગ્રાહક પણ બની ગયા છે જેઓ એડવાન્સમાં જ સીતાફળનું બુકિંગ કરાવી રાખે છે.